સોમવાર, 7 માર્ચ, 2022

Motivation Story

ઉદયન મંત્રી 

                     મારવાડમાં જાલોર અને રામસેન વચ્ચે આવેલા વાઘરામાં શેઠ બોહિત્યની પરંપરામાં અનુક્રમે શેઠ અશ્વેશ્વર , શેઠ યક્ષનાગ , શેઠ વીરદેવ અને શેઠ ઉદયન થયા હતા. શ્રીમાળી વંશના આ કુટુંબમાં ઉદયન ( ઉદા ) મહેતા પ્રથમ ઘીનો વેપાર કરતા હતા. તેમને સુહાદેવી નામે પત્ની હતી. 

 

                    ઉદા મહેતાએ એક રાતે એક ખેતરમાં કેટલાક પાણી વાળિયાને જોયા. અને તેઓને પૂછ્યું , તમે કોણ છો ? તેઓએ કીધું અમે મજૂર છીએ. ત્યારે ઉદા મહેતાએ ફરીવાર પૂછ્યું , મારા મજૂરો ક્યાં છે ? તેમણે કીધું કે કર્ણાવતીમાં. એ જ અરસામાં મહારાજા કર્ણદેવે કર્ણાવતી વસાવી હતી. ઉદા મહેતાએ મજૂરોના ઉપર્યુક્ત જવાબને શકુન માનીને પત્ની સુહાદેવી અને પુત્રો ચાહડ અને બાહડ વગેરે કુટુંબને લઈને કર્ણાવતીમાં આવીને વસ્યો.

 

                       કર્ણાવતીમાં આવતાં તે સર્વ પ્રથમ વાયડગચ્છના જૈન દેરાસરમાં પ્રભુ દર્શને ગયો. એ જ સમયે શાલાપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી છીપણ ( લક્ષ્મી ભાવસાર ) પોતાના દાસ દાસીઓ સાથે પ્રભુ દર્શન માટે ત્યાં આવી હતી. તેણે ઉદા મહેતાને પરદેશી આગંતુક સાધર્મિક જાણીને પૂછ્યું , ભાઈ ! તમે કોના મહેમાન છો ? ઉદયને જણાવ્યું કે , બહેન અમે પરદેશી છીએ. તો તમે માની લો કે અમે તમારા જ મહેમાન છીએ. લચ્છીએ કહ્યું , મારે ત્યાં સાધર્મિક ભાઈ મહેમાન હોય એવા મારા અહોભાગ્ય ક્યાંથી ? તમે સૌ મારે ત્યાં ચલો. ઉદયન સહકુટુંબ તેને ત્યાં ગયો અને તેણે આપેલા ઘરમાં તે રહેવા લાગ્યો.

 

                     ઉદયને ત્યાં વેપાર કર્યો અને ધન મળવા લાગ્યું. તેણે કાચા મકાનને પાકું ઈંટોનું બનાવવાનો ઈરાદો કર્યો. ત્યારે પાયો ખોદતાં તેને અઢળક ધન મળ્યું. તેને તરત જ લચ્છીને બોલાવીને કહ્યું , આ ધન તારા મકાનમાંથી જ નીકળ્યું છે માટે એ તારું ધન છે. તે તું લઈ જા. લચ્છીએ કીધું કે , એ તો તારા નસીબનું છે. માટે એ ધન તારું છે. તે તું રાખ.

 

                    આજથી જ ઉદયન શ્રીમાલીના ભાગ્યનો સિતારો ચમકવા લાગ્યો. તે ધીરે ધીરે આગળ વધ્યો. અને કર્ણાવતીનો નગર શેઠ બન્યો. સંવત 1176 પછી તે રાજા સિદ્ધરાજનો મંત્રી બન્યો. રા'ખેંગારને માર્યા પછી તે 'રાણિગ' ઉપાધિથી પ્રસિદ્ધિ પામ્યો. પ્રબંધકારો ઉદયનને 'રાણક' તરીકે સંબોધે છે.

 

                     ઉદયન ખંભાતમો દંડનાયક બન્યો. તેણે રાજમાતા મિનલ દેવીની આજ્ઞાથી ભોલાદનો યાત્રિક વેરો માફ કર્યો હતો. સંવત 1150 માં ખંભાતમાં આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. ને દીક્ષા અપાવી હતી. 

 

               રાજા સિદ્ધરાજ મરણ પામ્યો ત્યારે મહામાત્યે સેનાપતિ , રાણી મંડલેશ્વર , સામંતો અને રાણકોની સંમતિથી કુમારપાળને ગુજરાતનો રાજા બનાવ્યો. રાજા કુમારપાલે તેને ખંભાતનો સૂબો કાયમ રાખ્યો. અને તેના પુત્રો પૈકી બાહડને પોતાનો મહામાત્ય અને અંબડને દંડનાયક બનાવ્યો.

 

               મહામત્ય ઉદયને ત્રણ જિનાલય બંધાવ્યા હતા. મંત્રીએ સંવત 1149 લગભગમાં કર્ણાવતીમાં 72 દેરીવાળું ઉદયન વિહાર બંધાવ્યો હતો. ઉદયને ધોળકામાં સંવત 1175 માં આચાર્ય વાદિદેવસૂરિજી મ.સા. ના હાથે ભગવાન સીમંધર સ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી તે ગુજરાતનો મંત્રી બન્યો હતો. મહામાત્ય ઉદયને ખંભાતમાં પણ સુંદર જિનાલય બનાવ્યું હતું. તેમાં તે પ્રતિદિન દર્શન પૂજન કરતો હતો. 

 

                 મંત્રી ઉદયનને બે પત્નીઓ હતી. પહેલી પત્ની પદ્મા ( સુહા દેવી ) એ બાહડ અને ચાહડ એ બે પુત્રોને જન્મ આપ્યો હતો. અને તે પછી મરણ પામી હતી. મંત્રી બાહડે 70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવા વિનંતી કરી પણ પિતાએ ઈન્કાર કર્યો. એટલે બાહડે સ્વજનો દ્વારા દબાણ લાવી તેમને ફરીથી લગ્ન કરવા કબૂલ કરાવ્યું. બાહડે જ વાયડની માઉ નામની મોટી ઉંમરની વણિક કન્યાને શોધી લાવી તેમની સાથે લગ્ન કરાવ્યા. મંત્રી ઉદયનને ચાર પુત્રો હતા. દંડનાયક આંબડ , મહામાત્ય બાહડ , મંત્રી ચાહડ , મંત્રી સજ્જન.

 

                       રાજા કુમારપાલે સોરઠના ઉદ્ધત બહારવટિયા સુંવર ( સાંગણા ડોડીયા ) ને દબાવવા માટે વૃદ્ધ મંત્રી ઉદયનને મેલગપુર મોકલ્યો. તેમની સાથે રાજાનો ભ્રાતા કીર્તિપાલ , નાડોલનો રાજા આલ્હણ ચૌહાણ વગેરે હતા.

 

                     એ સમયે જતાં જતાં વચલા ગાળામાં સમય મેળવીને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી. એ સમયે ત્યાં મૂળ જિનાલય લાકડાંનું હતું. તેણે ત્યાં પ્રભુના દર્શન પૂજન કર્યા. અને ચૈત્યવંદન કર્યું. તે સમયે એને જોયું કે એ ઉંદર દીવેટમાંથી એક સળગતી વાટ લઈને દોડાદોડ કરી રહ્યો હતો. તે દરમાં પ્રવેશ કરે તે પહેલાં દેરાસરના રખેવાળોએ તેની પાસેથી વાટ છોડાવી લીધી. આ ઘટના જોઈને ઉદયને વિચાર્યું કે , જો ઉંદર કોઈક વાર સળગતી વાટને દરમાં લઈ જશે તો આગ લાગી જશે. અને જિનાલયનો નાશ થશે. તેથી અહીં જીણોદ્ધાર કરીને પથ્થરનું નવું જિનાલય બનાવવું જોઈએ. ઉદયને ત્યારે ત્યાં જ મનથી પ્રતિજ્ઞા કરી કે , હું આ જિનાલયનો જીણોદ્ધાર કરાવીશ. 

 

                         ઉદયને યાત્રા કરીને સેના સાથે મળીને યુદ્ધ કરીને સુંવરને જીતી લીધો. પણ યુદ્ધમાં શરીરને ઘણા ઘા પડવાથી અને વૃદ્ધાવસ્થાને કારણે તે અશક્ત બની ગયો. તે સેના સાથે વઢવાણની છાવણીમાં આવી પહોંચ્યો. તેને લાગ્યું કે હવે મારુ આયુષ્ય તૂટી રહ્યું છે. તેણે રાજભ્રાતા કીર્તિપાલ અને સામંતોને એકઠા કરીને જણાવ્યું કે , હવે હું જીવી શકું એમ નથી. એટલે મેં જે પ્રતિજ્ઞા કરી છે તે પુરી નહિ થાય તો હું દેવઋણમાંથી મુક્ત નહીં થાઉ. એ કામ મારા પુત્રોને કરવાનું છે. તમે મારા પુત્રો બાહડ , આંબડ વગેરેને સંદેશો પહોંચાડજો કે તેઓ શત્રુંજય તીર્થનો જીણોદ્ધાર કરીને પાષાણનું નવું જિનાલય બનાવે. ગિરનાર તીર્થમાં પગથિયાં બનાવે. નાના પુત્ર અંબડને સેનાપતિ બનાવે. અત્યારે કોઈ મુનિરાજ આવીને અંતિમ આરાધના કરાવે. 

 

                       કીર્તિપાલ વગેરે કહ્યું કે , મહામાત્ય ! આપ ચિંતા ન કરશો. અમે તમારો સંદેશો તમારા પુત્રોને પહોંચાડીશું. તેઓ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે. ઉદયનની ઈચ્છા મુજબ અહીં તાત્કાલિક સાધુને બોલાવાય એમ હતું નહીં. તેથી સામંતોએ એક યુવાન બહુરૂપીને જૈન સાધુનો વેશ પહેરાવી બનાવટી સાધુ બનાવી થોડી ગણી શિખામણ આપી ઉદયનની સામે હાજર કર્યો. મહામાત્ય ઉદાયને તેને નમસ્કાર કરી સ્વયં દશ પ્રકારની મરણ સંબંધી આરાધના કરી સંવત 1207 - 1208 માં વઢવાણમાં સ્વર્ગવાસ પામ્યા. 

 

                     આ તરફ તે યુવાનને વિચાર આવ્યો કે , મારા જેવો નાનો માનવી જૈન સાધુનો વેશ પહેરવા માત્રથી મહામાત્યને પૂજ્ય બન્યો તો હવે સાચો સાધુ બનું તો મને ઘણો જ લાભ થશે. મારા આત્માનું કલ્યાણ થશે. આમ વિચારીને તે સાચો જૈન સાધુ બન્યો. ભાવ સાધુ થયો અને શુદ્ધ સાધુ જીવન પામી તેણે અંતે ગિરનાર તીર્થમાં જઈને અનશન કર્યું. 

                        

                   બાહડે સંવત 1213 માં શ્રી શત્રુંજય તીર્થનું મોટો જીણોદ્ધાર કરીને પાષાણનું નવું જિનાલય બંધાવ્યું. શત્રુંજયની પશ્ચિમ દિશામાં પાજ ( પગથિયાં ) બંધાવી હતી. જે આજે ઘેટીની પાગ તરીકે તરીકે પ્રસિદ્ધ છે. બાહડે શ્રી ગિરનાર તીર્થમાં પગથિયાં બનાવીને પિતા ઉદયનની ઈચ્છા પૂર્ણ કરી હતી.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top