મંગળવાર, 22 માર્ચ, 2022

Haribhadrasuri

*🙏🌷૧૪૪૪ ગ્રંથોના રચયિતા - આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ*

*રાત સમસમ વહેતી હતી. મધરાતનો સમય હતો. પંડિત હરિભદ્ર પોતાના મહેલમાં મધરાત સુધી આમતેમ આંટા મારી રહ્યા હતા. એમના હૃદયમાં મુંઝવણ વ્યાપી હતી.*

*પંડતિ હરિભદ્ર એટલે ભારતનું ગૌરવ. જેની જીભે મા સરસ્વતીનો વાસ હતો. જેને ચૌદ ચૌદ વિદ્યાઓ મુખમાં રમતી હતી. જે કોઇ પણ ગ્રંથનું પાનું હાથમાં લે અને તેની બધી આંટીધૂટી ક્ષણવારમાં સમજી જાય તેવા પંડિત હરિભદ્ર આજે વિચારોનું વાવાઝોડું ફૂંકાયું હતું.*

*પંડિત હરિભદ્ર ચિત્રકૂટના રાજપુરોહિત હતા. એમને અભિમાન હતું કે બ્રહ્માંડમાં ગમે ત્યાં ભમી વળો. તમને મારા જેવો બુદ્ધિશાળી શોધ્યો ન જડે ! પંડિત હરિભદ્ર શ્રેષ્ઠ વિદ્વાન હતા. તેઓ હંમેશા કોદાળી, જાળ અને નિસરણી આ ત્રણે વસ્તુઓ સાથે રાખીને બધે ફરતા.*

*કોદાળી એટલા માટે સાથે રાખતા કે એમની સાથે કોઇ વાદવિવાદ કરી શકે તેવો વિદ્વાન પાતાળમાં પણ છૂપાયો હોય તો કોદાળીથી પાતળના પડ તોડીને એ પ્રતિભાને બહાર લાવી શકે અને હરાવીને પોતે અજેય રહી શકે !*

 *જાળ એટલા માટે રાખતા કે શાસ્ત્રાર્થના પટાંગણમાં સામનો કરી શકે તેના પ્રજ્ઞા સમગ્રના તળિયે છુપાયેલી હોયતો જાળ વડે બહાર ખેંચીને તેને શાસ્ત્ર યુદ્ધનો પડકાર ફેંકી શકાય !*

 *નિસારણી એટલા માટે રાખતા કે પોતાને અજેય માનતો કોઇ વિદ્વાન આકાશમાં ઊડતો હોયતો નિસરણીના સહારે આકાશમાં ચડીને એ વિદ્વાને પડકારીને હાર આપી શકાય!*

*એવા પંડિત હરિભદ્ર આજે મુંઝવણમાં ફસાયા હતા. તેમના દિલમાં અકથ્ય તોફાન મચ્યું હતું. ભલા, શી હતી એ મુંઝવણ ? સાવ નાની વાતે હરિભદ્રની ઊંઘ હરામ થઇ ગઇ હતી.*

*વાત એમ બની હતી કે સંધ્યાનો સમય હતો. પંડિત હરિભદ્ર જૈન સાધ્વીઓના ઉપાશ્રય પાસથી પસાર થતા હતા. ઉપાશ્રયમાંથી સાધ્વીઓનો મંગલમય સ્વધ્યાયઘોષ સંભળાતો હતો. સાધ્વીઓના શુધ્ધ ઉચ્ચાર અને રમણીય દેવ ભાષાની સુરાવલી જે સાંભળે તેના કર્ણદ્વય ધન્ય બની જાય તેવી પળ હતી. તે સમયે સાધ્વીઓએ જે પાઠનું ઉચ્ચારણ કર્યું તે પ્રત્યેક શબ્દ પંડિત હરિભદ્રને સમજાતો હતો. પંડિત હરિભદ્ર સ્વાધ્યાયઘોષ સાંભળીને પ્રસન્ન થતાં હતા. તે સમયે અચાનક સાધ્વીઓએ કોઇ ગાથાનું ઉચ્ચારણ કર્યુ. 'ચક્કિદૂગ' શબ્દથી શરૃ થતી એ ગાથા પંડિત હરિભદ્રને સમજાઇ નહી. પંડિત હરિભદ્ર આશ્ચર્યમાં ડૂબી ગયા. પંડિત હરિભદ્રનું આશ્ચર્ય એ હતું કે એક સાધ્વીના મુખમાંથી એવી ગાથાનું પ્રગટીકરણ થાય છે જે મને સમજાતી નથી. આવું બને જ કેવી રીતે ?*

*પંડિત હરિભદ્રએ પોતાની બુદ્ધિકૌશલ્યથી એ ગાથા સમયજવા માટે ખુબ પ્રયત્ન કર્યો પણ તે ગાથા ન જ સમજાઇ. પંડિત હરિભદ્રને લાગ્યું કે પોતાની વિદ્ધતા માટેનું પોતાનું અભિમાન મિથ્યા છે.*

*પંડિત હરિભદ્ર અભિમાની જરૃર હતા પરંતુ તેમનામાં જ્ઞાનની તીવ્ર દિશા તૃષ્ણા પણ હતી. જ્યાંથી પણ નવી જ્ઞાન દિશા પ્રાપ્ત થાય તે મેળવવા તે હંમેશા દોડી જતાં. એમણે પ્રતીજ્ઞા કરી હતી કે જેમનો એક પણ અક્ષર હું સમજી ન શકું, જેનો અર્થ તારવી ન શકું તેમનો હું શિષ્ય બનીશ. તેમના ચરણકમળ પુંજીશ.*

*એ વાત સાચી હતી કે પંડિત હરિભદ્ર પ્રખર જ્ઞાની હતા. પંડિત હરિભદ્રનું નામ પડતું અને ભલભલા પંડિતો ધ્રુજી ઊઠતા. પંડિત હરિભદ્રની વિદ્વતાની ધાકને કારણે કોઇ પણ વિદ્વાન ચિત્રકૂટના સીમાડામાં પ્રવેશતો નહોતો. હરિભદ્રના ગર્વનો કિલ્લો નક્કર જ્ઞાનની ઇંટોથી ચણાયેલો હતો. કિન્તુ પંડિત હરિભદ્ર નમ્ર પણ હતા. એમણે સ્વયં સ્વીકારેલી પ્રતિજ્ઞા એ એમના દિલનું વ્રત હતું.*

*પંડિત હરિભદ્રને સાધ્વીઓના સ્વાધ્યાયઘોષમાંથી જે ન સમજાયું તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થતી હતી. તેમને પોતાનું અમિમાન મિથ્યા લાગતું હતુ પણ તેમના ચરણ જૈન ઉપાશ્રય તરફ જવામાં ખચકાતા હતા. પંડિત હરિભદ્ર બ્રાહ્મણ હતા. તેમના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે અપાર વિરોધ છવાયેલો હતો. તેઓ માનતા હતા કે કોઇ દિવસ સામેથી ગાંડો હાથી આવતો હોય અને તેના પગ નીચે મરી જવું પડે તો વાંધો નહી પણ બાજુમાં રહેલા જૈન મંદિરમાં ન જવું ! પંડિત હરિભદ્રનો આ વિરોધ એટલો તીવ્ર હતો કે આજે તેમના ચરણ તેમને જૈન ઉપાશ્રય તરફ જવામાં અટકાવતો હતો.*

*પણ એ હરિભદ્ર હતાઃ સાચી જિજ્ઞાસાથી ભરેલા અને સાચી જ્ઞાનતૃષાથી ઊભરાતા !*

*હરિભદ્ર પ્રતિજ્ઞા પાલનમાં ચુસ્ત હતા. એમના કાન પાસેથી સાધ્વીઓનો મંગલમય સ્વાધ્યાયઘોષ હટતો નહોતો. સવાર થઈ. સૂર્યના કિરણો સર્વત્ર પથરાયા અને અંધકાર હટયો. એ ક્ષણે પંડિત હરિભદ્રના હૃદયમાંથી પણ મુંઝવણનો અંધકાર હટયો અને તેમના ચરણ વિના સંકોચે જૈન ઉપાશ્રય તરફ વળ્યા.*

*પંડિત હરિભદ્ર જૈન ઉપાશ્રયમાં દાખલ થયા ત્યારે તમામ સાધ્વીગણ પોતપોતાના આસન પર બેસીને ધર્મક્રિયાઓ કરતા હતા. પંડિત હરિભદ્રને લાગ્યું કે જૈન સાધ્વી એટલે જૈન સંઘનું આભૂષણ ! સાધ્વી સમુદાયના મધ્ય ભાગમાં વડીલ સાધ્વી બેઠા હતા. એમની તેજોમય મુખાકૃતિ તેમના નિર્મળ ચારિત્ર્યની ગવાહી પૂરતી હતી.*

*પંડિત હરિભદ્ર તેમના ચરણમાં નમ્યા અને બોલ્યાઃ 'મા, મને પુત્ર તરીકે સ્વીકારો.'*
*સાધ્વીજી આશ્ચર્ય પામ્યા. તેમણે પછયું : 'ભાઈ, તમે કોણ છો ? આ શું કહો છો ?'*
*પંડિત હરિભદ્ર કહે: 'મા, હું ચિત્રકૂટનો રાજપુરોહિત હરિભદ્ર છું. આપ જે ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા હતા તેનો અર્થ મને સમજાયો નહીં. મેં પ્રતિજ્ઞા સ્વીકારી કે જેના બોલ મને ન સમજાય તેના શિષ્ય બનવું. મને તમારા પુત્ર અને શિષ્ય તરીકે સ્વીકારો.'*

*પંડિત હરિભદ્રનો અભિમાનનો કિલ્લો ધરાશાયી થઈ ગયો હતો. શાસ્ત્રોના અનેક ગૂઢ રહસ્યોનો જાણકાર આજે નમ્ર થઈને જૈન સાધ્વીના ચરણમાં બેઠો હતો. ભલભલા વિદ્વાનોને ધ્રુજાવનાર એક સતિ નારીના ચરણમાં શિષ્ય બનીને બેઠો હતો.*

*સાધ્વીજી કહે: 'હરિભદ્રજી, તમારી વિનમ્રતાને હું હૃદયથી આવકારું છું પરંતુ તમે જે ગાથાનો અર્થ જાણવા માંગો છો એ ગાથાનો અર્થ તો અમારા જ્ઞાની ગુરુદેવ જ કહી શકે અને તમને પુત્ર તરીકે તેઓ જ સ્વીકારી શકે.'*

*હરિભદ્ર કહે : 'મા, હું તમારો પુત્ર.' આજથી હું યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાઈશ. આજથી હું યાકિની મહત્તરા સુનુ કહેવાઈશ. મને આશીર્વાદ આપીને ધન્ય કરો, મા !' પંડિત હરિભદ્રના જીવનની એ અવિસ્મરણીય ક્ષણ હતી. એ ક્ષણમાંથી એક નવા ઈતિહાસનું સર્જન થતું હતું. એક એવો ઈતિહાસ સર્જાવાનો હતો જેમાંથી જૈન સંઘ હજારો વર્ષો સુધી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો હતો.*

*યાકિની મહત્તરાજી કહે: ભાઈ, તમને હું પુત્ર તરીકે સ્વીકારું છું પણ તમારી જિજ્ઞાસાના સંતોષ માટે મહાન આચાર્યશ્રી જિનદત્તસૂરિજીને મળવું પડે. જે અમારા જ્ઞાની ગુરુમહારાજ છે.'*
*હરિભદ્ર કહે: 'તેઓ અત્યારે ક્યાં બિરાજમાન છે ?'*
*સાધ્વીજી કહે: 'તેઓ નજીકના જ ઉપાશ્રયમાં બિરાજમાન છે. ચાલો હું તમને ત્યાં લઈ જાઉં.'*

*સાધ્વીજીઓના સમુદાય સાથે પંડિત હરિભદ્ર ઉપાશ્રય તરફ ચાલ્યા. રસ્તામાં વિશાલ અને અનન્ય કલાકૃતિથી શોભતું જિનમંદિર આવ્યું. આચાર્ય શ્રી જિનદત્તસૂરિ જૈન મંદિરના પટાંગણમાં જ ઊભા હતા. સાધ્વીઓ તેમની નજીક સર્યાં. કહ્યું: 'ગુરુદેવ, પંડિત હરિભદ્ર તેમની જિજ્ઞાસા લઈને આવ્યા છે. આપ સાંભળો અને ઉત્તરવાળો.'*

*પંડિત હરિભદ્ર કહે: 'ગુરુદેવ, મારા અજ્ઞાનને હટાવો. મારી જ્ઞાનની તૃષા છિપાવો. મને 'ચકિકદુગં' ગાથાનો અર્થ કહો.'*

*આચાર્ય જિનદત્તસૂરિ પ્રતિભાશાળી જૈનાચાર્ય હતા. પંડિત હરિભદ્રની પ્રતિભા તેઓ જાણતા હતા. પંડિત હરિભદ્રનું પાંડિત્ય તેઓ સમજતા હતા. તેમણે કહ્યું: 'ભન્તે, 'ચક્કિદુગં' એ આગમની ગાથા છે. જે સંસાર ત્યાગે અને યોગ સાધના કરે તેને એ ગાથાનો અર્થ જાણવાનો અધિકાર મળે.'*
*એક જ ક્ષણ. કિન્તુ એ જ ક્ષણમાં પંડિત હરિભદ્રએ નિર્ણય લીધો. એમણે કહ્યું: 'ગુરુદેવ, જ્ઞાનની પ્રાપ્તિ માટે જે કરવું પડે તે કરવા હું તૈયાર છું.'*

*આચાર્ય જિનદત્તસૂરિએ પંડિત હરિભદ્રને તેજ સમયે દીક્ષા આપી.*

*એક વિચાર, એક અર્થ પામવાની તીવ્ર તાલાવેલીએ, જ્ઞાન પ્રાપ્તિની અસીમ તૃષાએ એક મહાન સાધુનું નિર્માણ કર્યું : મુનિ હરિભદ્ર.*

*આકરી તપશ્ચર્યા, અજોડ વિનમ્રતા અને હૃદયની મહાનતામાંથી મુનિ હરિભદ્રએ અદ્ભૂત વિકાસ સાધ્યો. આચાર્યશ્રી જિનદત્તસૂરિએ પોતાના શિષ્ય હરિભદ્રને આચાર્યપદે સ્થાપ્યા અને આચાર્ય હરિભદ્રસૂરિએ વિશ્વને જૈન ધર્મના તત્વજ્ઞાનના આલોકને સમજાવતા ચૌદસો ને ચુમ્માલીશ ગ્રંથો ભેટ કર્યાં !*

*ઘણાં વર્ષો બાદ તેમના બે ભાણેજ હંસ અને પરમહંસ તેમની પાસે આવે છે ,તેજસ્વી લલાટ, ભવ્ય મુખ,કોમળકાયાઅને સુડોળ શરીર જોતાજ ગમી જાય આચાર્ય શ્રી ક્ષણ બે ક્ષણ તેમની સામે જોઈ રહ્યા ! અમને ના ઓળખ્યા ? અમે છીએ આપણા ભાણેજો,સંસાર અમને અસાર બન્યો છે,આપના ચારણ માંજ સમગ્ર જીવન વિતાવવા આવ્યા છીએ,આપની સેવા માં ગમે તેવા દુખો ને પણ ફૂલોની માળા ગણી વધાવી લઈશું.*

*આચાર્ય શ્રી એ યોગ્યતા જાણી,તેમના ભાણેજો ને પ્રભુ વીરના અનુયાયીઓ બનાવ્યા.બન્ને ભાણેજો એ થોડા સમયમાં શાસ્ત્રો નું જ્ઞાન મેળવી લીધું ,ત્યાર બાદ બૌદ્ધ દર્શન નું જ્ઞાન મેળવવા ગુરુદેવ ની અનિચ્છાએ બૌદ્ધો ના મઠ માં છુપી રીતે પહોચી ગયાં. દિવસો -મહિના અને વર્ષો વીત્યા બાદ એક દિવસ બૌદ્ધ મત ખંડન ના પાનાં હવાના સપાટા થી ઉડીને મઠ ના અધિપતિ ના હાથ માં આવ્યા. એનો ક્રોધ સાતમાં આસમાને ચઢ્યો,*

*મારા ઘર માં રહી મારું નિકંદન કાઢનાર કોણ ? અરે આનું ખંડન કરનાર જૈન વિના બીજું કોણ હોઈ શકે? ઠાર મારવો જોઈએ તેને.બીજા દિવસે તેની પરિક્ષા કરવાનું નક્કી કરી જિનેશ્વર ભગવાન ની મૂર્તિ પર પગ દઈ ને જવાની કડક આજ્ઞા ફરમાવી, બધાતો રવાના થઇ ગયાં પણ હંસ અને પરમ હંસ બે ક્ષણ માટે મુંજાઈ ગયાં...વળતી જ બુદ્ધિએ જવાબ આપી દીધો પાસે પાસે પડેલ ખડી થી મૂર્તિ પર જનોઈ નો આકાર ચીતરી દીધો...બીજા દેવ ની મૂર્તિ પર પણ પગ ન મુકવો એજ બુદ્ધિ તેમને જૈન શાશન માં સાંપડી હતી,છતાં કચવાતા મને આગળ વધ્યા.બૌધ્ધાચાર્ય ની આંખ માંથી અંગારા વરસ્યાં લોહી તરસ્યા બની તેમની ઉપર તૂટી પડવાની તૈયારી માંજ હતાં , છતાંય બીજી પરિક્ષા કરવાનો નિર્ણય કર્યો.*

*બધાજ વિદ્યાર્થીઓ સુતા છે, ઉપરથી પથ્થર નો વરસાદ વરસવા લાગ્યો,બૌદ્ધોની એ તરકટ જાળ હતી....ઊંઘ માંથી જાગતા પ્રાયઃ ભયના કારણે ઇષ્ટદેવ નું સ્મરણ અચાનકજ માનવ ના મુખ માંથી સારી પડે.ઇષ્ટદેવ ના નામ પરથી એ વ્યક્તિ ને ઓળખી કાઢવાની આ યુક્તિ હતી. હંસ અને પરમહંસ ઝબકી ને જાગ્યાં " નમો અરિહંતાણમ " શબ્દ એમના મુખ માંથી સરી પડ્યો..મારો કાપો કરતી બુદ્ધસૈન્ય તૈયાર જ હતું. હંસ અને પરમહંસ પળ પીછાની ગયા પાસે રહેલી છત્રી લઇ કુદકો મારી નાઠા. હજાર યોધ્ધાઓ ને એકલે હાથે પહોચે તેવો હતો હંસ અને સેકડો ને મહાત કરે એવો હતો પરમહંસ......હંસે..પરમહંસ ને જણાવ્યું ભાઈ ! આ સૈન્ય આપણ ને રગદોળી નાખશે,ગુરૂ એ આપણા માટે અનેક આશાઓ બાંધી છે,બે માંથી એક બચીશું તો પણ ઘણું છે.તુ જા ગુરૂ પાસે હું અહી ઉભો છું સૈન્ય ને ખાળવા માટે. તુ જલ્દી જા ભાઈ જલ્દી જા .મોટા ભાઈ મને એવો નગુણો ન સમજો, સંકટ ના સમયે હું તમને છોડી ક્યાંય જવાનો નથી...પરમહંસ બોલી ઉઠ્યો." ભાઈ ! વાત કરવાનો સમય નથી,ગુરુની ખાતર પણ તારે ત્યાં જવું જ રહ્યું. આ સૈન્ય આવી જ રહ્યું છે, બચવાની આશા આકાશ અને કુસુમ જેવી છે, તુ નાસી જા......*

*પરમહંસ ને અનિચ્છાએ પણ ત્યાંથી નાસી જવું પડ્યું. હંસ છેલ્લા શ્વાસ સુધી સૈન્ય સામે ઝઝુમ્યો. અંતે તેનું પ્રાણ પંખેરું પરલોકે પ્રયાણ કરી ગયું.* *બૌદ્ધો એક ના બલિ થી શાંત ન થયાં,બીજાની શોધ માં તેઓ ઉપડ્યા... પરમહંસ સુરપાલ રાજાને શરણે થયો હતો ...બૌદ્ધોએ પોતાના શત્રુ ને સોપવા માંગણી કરી......સુરપાલ રાજાએ કહ્યું શરણે આવેલા ને હું કદાપી સોપીશ નહિ,તમારી ઈચ્છા હોય તો તેની સાથે વાદ કરો તે હારશે તો જરૂર તમને સોપી દઈશ....*

*બૌદ્ધોએ વાદ માટે જાળ બિછાવી અને વારાદેવીની સ્થાપના ધ્વારા પરમહંસને પરાસ્ત કરવા પ્રપંચ કર્યું પણ અંબામાતા ની સહાય થી તે જાળ છેડાઈ ગઈ અને બૌદ્ધો નિરુત્તર બની ગયાં.પરમહંસ ની જીત થઇ.*
*ભારે ચરણે પરમહંસ ત્યાંથી ગુરૂ ચરણોમાં રવાના થયો........ ઘણાં દિવસ થી આચાર્યશ્રી ના મનમાં મુઝવણ થયાં કરતી હતી, અનેક અમંગલ ના એધાણ મનમાં ઉઠી આવતા, આચાર્ય શ્રી ચિંતિત ચહેરે બેઠા હતાં ત્યાંજ સામેથી પરમહંસ નો પગરવ સંભળાયો....આચાર્યશ્રી એ જાણે ઊંડી શાંતિ મેળવી.*
*વત્સ ! કુશાલતો છે ને ? હંસ કેમ ન આવ્યો ? વાત્સલ્ય ભીના હૈયે આચાર્યશ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ બોલ્યા..ગુરુદેવ ! કુશળ.... ! આપ કુશળ પૂછો છો ? આપણી અનિચ્છા હતી અમને ત્યાં મોકલવાની,અવિનીત અમે માન્યા નહિ, છેવટે બૌદ્ધોના પંજા માં ફસાયા.....*

*બૌદ્ધોના પંજામાં ? ગુરુદેવ એકદમ બોલી ઉઠ્યા.... " હા ગુરુદેવ ! બે વખતની પરિક્ષામાં, એ અમારી અગ્નિ પરિક્ષા હતી, છેવટે અમે ભાગ્યા,પણ ...... કહેતા ..કહેતા પરમહંસ ને ગળે ડૂમો ભરાઈ ગયો ....આગળ બોલી ન શક્યો. ગુરુદેવ ! બૌદ્ધો હજારો અને હંસ એકલો એમની સામે ખુબ ઝઝુમ્યો. અરે ! મને રવાના કરી તેને કેસરિયા કર્યાં.... ગુરુદેવ ! અરે ! એના સામે જરા પણ દયા ન કરી,એકલા હાથે તે કેવી રીતે ઝઝુમ્યો હશે ? મને મુકીને મારો ભાઈ વિદાય થઇ ગયો.આટલું બોલતા હંસ ના વિરહ માં પરમહંસ નું પ્રાણ પંખેરું રવાના થઇ ગયું , નિશ્ચેષ્ટ દેહ જ ત્યાં પડી રહ્યો હતો,કોમળ કળી ખીલ્યા પહેલાજ કરમાઈ ગઈ.પરમ હંસ ના દેહ સામે આચાર્ય શ્રી થોડી ક્ષણો જોઈ જ રહ્યા..જ્ઞાનીઓ ની વેદના પણ જુદી જાત ની હોય છે.જો એ શાંત થઇ જાય તો વાંધો નહિ, વિરૂપ - રૂપ ધારણ કરે તો એને શાંત કરવાની કોઈની તાકાત નથી. હરીભાદ્રચાર્ય ની વેદનાએ જ્વાલા મુખીનું રૂપ ધારણ કર્યું. અને નિશ્ચય કર્યો કે બૌદ્ધોને એમના કુકર્તવ્ય નો બદલો બરાબર આપી દેવો.*

*સુરપાલ રાજાની સભા માં બૌદ્ધો સામે વાદના પગરણ મંડાયા હતાં.જે હારે તેને કકડતા તેલના કઢાયા માં હોમી દેવો.એવી ઉગ્ર શર્ત સામે ધરવામાં આવી.*

*એક પછી એક બૌદ્ધો વાદ માં પરાસ્ત થવા માંડ્યા. ઉકાળતાં તેલ ની કાઢાઈઓ તૈયાર હતી. સભામાં હાહાકાર થવા લાગ્યો, ત્યારે બે સાધુઓ સભામાં પ્રવેશ્યાં.....હાથમાં કંઈક સંદેશો હતો.*

*" કેમ આ સમયે તમારૂ આવવું થયું " મહાત્માઓ ! ગુરુદેવે આપને સંદેશો આપ્યો છે,તે આપવા આવ્યા છીએ.... આ સમયે સંદેશ ? આચાર્ય શ્રી પત્ર હાથમાં લઈ વાંચવા લાગ્યા.ક્રોધની આગ માં અગ્નિ શર્માએ એક પાક્ષિક વૈરના કારણે પોતાના ભવ બગાડ્યા..વૈરની વસુલાત ભાત ભાતના અન્યાયોથી એનું મૃત્યુ ઉપજાવતો જ રહ્યો..... સહન કરે તે સાધુ..ક્ષમના અવતાર ક્ષમાશ્રમણ.... ક્રોધતો ચંડાળ જેવો છે; એને વશીભૂત થનારની દશા કેવી થશે ?*

*પ્રશ્ચાતાપ ના પાવકમાં આત્મ કુંદન ને શુદ્ધ કરતા આચાર્યશ્રી ગુરુદેવ ના ચરણોમાં પધાર્યા, પોતાના પાપનું પ્રાયશ્ચિત માગ્યું....કહેવાય છે કે સભામાં ૧૪૪૪ ની હત્યાનો વિચાર કરેલો.........એટલે ગુરુદેવે તેમને પ્રાયશ્ચિત માં એટલા પ્રમાણ માં રત્નોગ્રંથ બનાવવાનો આદેશ આપ્યો.*

*હંસ અને પરમહંસનો શોક એમના અંતરને દઝાડતો હતો,ભગવાન ની આગળ શિષ્યોના વિરહને યાદ કરી હવે સંસારનો વિરહ માગતાં.એમના ભક્ત જનોને કાયમ એકજ આશીર્વાદ આપતા..કે તેમને ભવ વિરહ*
*થાઓ........આથી આચાર્યશ્રી " ભવ વિરહ સૂરી" ના નામે ઓળખાવવા માંડ્યા.એમના દરેક ગ્રંથો ને અંતે ભવ વિરહ શબ્દ ખાસ આવવાનોજ.આચાર્યશ્રી સંસાર દાવાની સ્તુતિ બનાવી રહ્યા હતા...શરીરનું યંત્ર જાણે આગળ વધવાની મના કરતુ હતું.છતાંય આચાર્યશ્રી એનો પૂરો કસ કાઢતાં હતા.આયુષ્ય બળ જેટલું હોય તેટલુ જ ભોગવવું પડે. ઓછું વધતું ક્યાંથી થઇ શકે....*

*ભગવાન વિતરાગની સ્તુતિરસ મસ્તી માણતા આચાર્ય મહારાજ..." આમૂ લાલો લધૂલી બહુલ પરિમલા લીઢ લોલા લિમાલા " બસ આટલુજ બોલ્યા એમનો આત્મા અમર પંથે પ્રયાણ કરી ગયો... ચતુર્વિધ સંઘ ચોધાર આંસુએ રડી* *રહ્યો.....શાસનદેવી એ સહુના શરીરમાં પ્રવેશ કર્યો . બધા એકી અવાજે બોલી ઉઠ્યા.................ઝંકારારા વસારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે ! છાયા સંભાર સારે વર કમલ કરે ! તારહારા ભિરામે ! વાણી સંદોહ દેહે ! ભવ વિરહ વરં દેહીમે દેવી ! સારમ..........*

*ત્યારથી ચતુર્વિધિ સંઘ ઝંકારારા એકી અવાજે લલકારે છે !*

*મહાન જૈનાચાર્ય હરિભદ્રસૂરિ એટલે જૈન સંઘના કોહીનૂર. આવનારા હજારો વર્ષો સુધી આ મહાન જૈનાચાર્ય ક્યારે ય ભૂલાશે નહીં.*

*........પ્રગટેલ મહાનલ માંથી એકજ ચિનગારી આપણ ને મળી જાય તો જીવન ધન્ય બની જાય*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top