મંગળવાર, 8 માર્ચ, 2022

પ્રભુ પ્રેમ-શ્રદ્ધા-પૂજા-ભક્તિનો મહિમા

પ્રભુ પ્રેમ-શ્રદ્ધા-પૂજા-ભક્તિનો મહિમા

 

જીવનને પ્રભુની આજ્ઞાને આધીન બનાવી પરમાત્માની અદ્ભૂત ભક્તિ કરીને અનેક આત્માઓ સિદ્ધ બુદ્ધ મુક્ત થઇ ચૂકયા છે.

 

પ્રભુ પર પ્રેમ કરતા કરતા કૃષ્ણ અને શ્રેણિક રાજાએ અનંતકાળ રહે એવું મહાન ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જ્યુ !

 

સુલસા શ્રાવિકા પણ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાથી તીર્થંકર બનવાના અધિકારને પામી ગયા !

 

પ્રભુ ઉપર શ્રદ્ધા રાખવાથી કૂતરી મરીને દેવ થઈ !

 

પાપી ચંડકૌશિક સર્પ પણ પ્રભુના દર્શનથી મહાસમતાધારી બનીને સ્વર્ગમાં ચાલ્યો ગયો !

 

પ્રભુની પુષ્પ-પૂજાની ભક્તિ કરતાં કરતાં મહાનુભાવ નાગકેતુને લોકાલોકને દેખાડનારું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું!

 

અક્ષતપૂજાની ભક્તિથી કીરયુગલ દેવ બની ગયું !

 

દેવપાળ વિગેરે પ્રભુ ભક્તિ કરવાથી તીર્થંકર નામકર્મ પામી ગયા !

 

રાજા દશાર્ણભદ્ર ફક્ત શ્રી વીરપ્રભુને આડંબર પૂર્વક વંદન કરવા જતા હતા, પણ ઇન્દ્રનો અતિશય આડંબર દેખીને પ્રભુ ભક્તિથી ખૂબ આકર્ષાયા અને ત્યાં ને ત્યાં જ એણે સંસારનો ત્યાગ કરીને મુનિ બનવા પૂર્વક પ્રભુને વંદન કર્યા, ત્યારે ઇન્દ્રને પણ દશાર્ણભદ્રમુનિના ચરણકમલમાં પડવું પડ્યું.

" અહો ! પરમાત્માની કેવી અદ્ભૂત ભક્તિ!

 

પ્રભુ ભક્તિ એ એક એવો અદ્ભૂત અવસર છે કે જેનાથી રાક્ષસી કુસંસ્કારનો નાશ અને દિવ્ય સુસંસ્કારનું પોષણ થાય છે. તેમની પ્રત્યેક પૂજાનું મહાન ફળ છે. નૃત્યપૂજાથી તીર્થંકર નામકર્મ પ્રાપ્ત કરેલાના પણ દ્રષ્ટાંતો છે.

 

દમયંતીએ પૂર્વભવમાં રાણીપણામાં અષ્ટાપદ પર્વત પર પ્રભુને રત્નાતિલકથી પૂજ્યા જેથી દમયંતીના ભવમાં અંધારામાં પ્રકાશ આપનાર, ચમક્દાર કુદરતી તિલક લલાટમાં જન્મતાવેંત પ્રાપ્ત થયું.

 

ફક્ત એક સિન્દુવારનું પુષ્પ લઈને ઘરડી, નિર્ધન અને મજુરણ જેવી સ્ત્રી પ્રભુને પૂજવા માટે ગઈ, પણ રસ્તામાં આયુષ્ય પૂરું થઈ ગયું, છતાં મરીને એ પુષ્પપૂજાના ભાવ માત્રથી સ્વર્ગમાં દેવ બની.

 

ઉત્તમોત્તમ ભક્તિ કરનાર પ્રભુ ભક્તો:

 

શ્રેણિકરાજાને રોજ પ્રભુ પૂજામાં નવો નવો સુવર્ણજવનો સાથીઓ બનાવી પ્રભુભક્તિ કરવા જોઇતો હતો ! તથા એ મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લાવનારાને ઇનામ આપ્યે જતા હતા !

 

માંડવગઢના મહામંત્રી પેથડશાહ પોતાના હાથે જ નિત્ય પ્રભુ પર ફૂલોનો શણગાર કરતા હતા. એક વખત પ્રભુની પૂજા કરતી વખતે રાજાનું ફરમાન આવ્યું છતાં પણ તે ગયા નહિં, પછી ત્યાં રાજા ચુપકીથી આવી પેથડશાહની ભક્તિ જુએ છે અને વિસ્મિત થઈ જાય છે !

 

પ્રભુ ભક્તિની ધુનમાં રાવણ જેવા સમ્રાટ રાજા પણ અષ્ટાપદ પર્વત પર પ્રભુની આગળ વીણા વગાડતા વગાડતા તાર તૂટી જવાથી તત્કાળ પોતાની જાંઘ ચીરીને સ્નાયુતંતુ બહાર કાઢીને વીણામાં જોડી દેવા ઉત્સાહિત થયા !

 

પુણિયો શ્રાવક અને તેમની ધર્મપત્ની ધંધો-આવક ઓછી હોવાથી એકાંતરે ઉપવાસ કરતા હતા, પણ દરરોજ સાધર્મિક ભક્તિ અને પુષ્પોના ઢગલાથી પ્રભુ ભક્તિ કરવામાં ચૂકતા ન હતા !

 

કુમારપાળ રાજા અઢાર દેશની મહાઉપાધિની વચમાં પણ રોજ ત્રિકાલ પૂજા કરતાં હતા અને તેમાં ય મધ્યાહ્નનકાળની અષ્ટપ્રકારી આદિ પ્રભુપૂજા નિરાંતે સુંદર ઠાઠથી કરતા હતા !

 

વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ, ધન્નાપોરવાલ વિગેરે પણ રોજ પ્રભુ ભક્તિ ઉમંગથી કરતા હતા ! પ્રભુ ભક્તિમાં કરોડોનું દ્રવ્ય ખર્ચ્યું !

 

મહાસતી દમયંતીએ પર્વતની ગુફામાં સાત વર્ષ સુધી પ્રભુની પુષ્પપૂજા અને સ્તુતિ કરી કંઇકને જૈન બનાવ્યા હતા !

 

મંદોદરી, પ્રભાવતી વિગેરે મહારાણીઓ પ્રભુની આગળ સુંદર નૃત્ય કરતી હતી.

 

સુર્યાભદેવે પૂર્વના પોતાના પ્રદેશીરાજાના ભવમાં પ્રભુશાસનથી થયેલો મહાન ઉપકાર સંભારી મહાવીર પ્રભુની સન્મુખ, દેવતાઇ બત્રીશ નાટકબદ્ધ ગુણગાન કર્યા હતા.

 

આવા તો પ્રભુભક્તિના અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રોના ચોપડે નોંધાયા છે.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top