મંગળવાર, 8 માર્ચ, 2022

શ્રી ગિરનારજી મહાતીર્થમાં વિશ્વની સૌથી પ્રાચીન એવી

શ્રી ગિરનારજી મહાતીર્થ

શ્રી ગિરનારજી મહાતીર્થમાં વિશ્વની સૌથી પ્રાચીન એવી

.... મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાન

...... ની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યુન (ઓછા) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઈ ચોવીસીના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બ્રહ્મેંદ્ર દ્વારા બનાવવામાં આવેલ હતી. આ પ્રતીમાને પ્રતિષ્ઠિત કર્યાને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આ જ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા દ્વારા પાતળલોકમાં લઈ જઈને પૂજાશે.

ઈંદ્ર મહારાજાએ પૂર્વે બનાવ્યું હતુ તેવું પૂર્વાભિમુખ જિનાલય શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ સ્થાને પણ બનાવ્યું હતું.

જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ થઈ જાય છે તેમ ગિરનારના સ્પર્શથી પ્રાણી ચિન્મય સ્વરૂપી બની જાય છે.

ગિરનારની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી.

ગિરનાર મહાતીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો (જનાવરો) પણ આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે.

ગિરનાર મહાતીર્થ એ પુણ્યનો ઢગલો છે.

ગિરનાર મહાતીર્થ એ પૃથ્વીના તિલક સમાન છે.

અનેક વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગિરનારમાં નિવાસ કરે છે.

ગિરનાર ગિરિવરના પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ અર્હં પદની ઉપાસના કરતાં ગુફાઓમાં સાધના કરતાં હોય છે.

ગિરનાર મહાતીર્થની સેવાથી કેટલાય પુણ્યાત્માઓ આ લોકમાં સર્વસંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે.

ગિરનાર મહાતીર્થની સેવાથી પાપી જીવો પણ સર્વકર્મનો સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે.

સર્વતીર્થોમાં ઉત્તમ અને સર્વતીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરનાર મહાતીર્થના દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વપાપો હણાઈ જાય છે.

ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા મહાપાપના કરનારા અને મહાદુષ્ટ એવા કુષ્ટાદિક રોગવાળા જીવો પણ સર્વસુખનાં ભાજન થાય છે.

ગિરનાર મહાતીર્થના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષો યાચકોનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. અહીં રહેલા ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભુમિઓ અન્યસ્થાને રહેલા એક તીર્થની માફક અહીં તીર્થપણાને પામે છે અર્થાત્ તે બધા પણ તીર્થમય બની જાય છે.

ગિરનાર મહાતીર્થમાં પુણ્યહીન પ્રાણીઓને નહીં દેખાતી એવી સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વઈચ્છિતફલને આપનારી રસકૂપિકઓ રહેલી છે.

ગિરનાર મહાતીર્થની માટીને ગુરૂગમના યોગથી તેલ અને ઘીની સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી તે સુવર્ણમય બની જાય છે.

ભદ્રશાલ વગેરે વનમાં સર્વઋતુઓમાં બધી જ જાતનાં ફુલો ખીલેલાં હોય છે, જલ અને ફલ સહિત ભદ્રશાલાદિ વનથી વીંટળાયેલો આ રમણીય ગિરનાર પર્વત ઈંદ્રોનો એક ક્રીડાપર્વત છે.

ગિરનાર મહાતીર્થમાં દરેક શિખરોની ઉપર જલ, સ્થળ ને આકાશમાં ફરનારા જે જે જીવો હોય છે તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે.

ગિરનાર મહાતીર્થા ઉપર વૃક્ષો, પાષાણો, પૃથ્વીકાય, અપ્-કાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો છે, તે વ્યક્ત ચેતના નહિ હોવા છતાં આ તીર્થના પ્રભાવથી કેટલાક કાળે મોક્ષે જનારા થાય છે.

જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રદાન દ્વારા સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.

ઉત્તમ એવા ભવ્યજીવો ગિરનાર મહાતીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશા સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય છે.

ગિરનાર મહાતીર્થમાં જે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે તે સર્વસુખોને ભોગવી પરમપદને અવશ્ય પામે છે.

જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે તે શીઘ્ર શિવસુખને પ્રાપ્તકરે છે. ઘેરબેઠા પણ શુદ્ધ ભાવપૂર્વક ગિરનારનું ધ્યાન ધરનાર ચોથાભવે મોક્ષપદને પામે છે.

ગિરનાર ગિરિવરના પવિત્ર શિખરો, સરિતાઓ, ઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારા થાય છે.

ગિરનાર ગિરિવર ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા અવસરે પ્રભુજીના સ્નાત્રાભિષેક માટે ત્રણેય જગતની નદીઓ વિશાળ એવા ગજેંદ્રપદકુંડમાં ઉતરી આવી હતી.

ગિરનાર ગિરિવરમાં મોક્ષલક્ષ્મીના મુખરૂપે રહેલા ગજેંદ્રપદ (ગજપદ) નામના કુંડના પવિત્રજલના સ્પર્શમાત્રથી જીવોના અનેક ભવના પાપો નાશા પામે છે.

ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલથી સ્નાન કરીને જેણે જિનેશ્વર પરમાત્માને સ્નાન (પ્રક્ષાલ) કરાવેલ છે, તેણે કર્મમળવડે લેપાયેલા પોતાના આત્માને પવિત્ર કર્યો છે.

ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલનું પાન કરવાથી કામ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસુતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાહ્યરોગો પણ અંતરના કર્મમલની પીડાની જેમ નાશ પામે છે.

જગતમાં કોઈપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિ સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી કે જે આ ગિરનાર ગિરિવર ઉપર ન હોય!

આકાશમાં ઉડતાં પક્ષીઓની છાયા પણ જો આ ગિરનાર મહાતીર્થનો સ્પર્શ પામે તો તેઓની પણ દુર્ગતિનો નાશ થાય છે.

સહસાવનમાં નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા હતા.

સહસાવનમાં (લક્ષારામવન) કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ અને અંતિમ સમવસરણની રચના કરવામાં આવી હતી. અને પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના આપી હતી.

સહસાવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

સહસાવનમાં કૃષ્ણવાસુદેવ દ્વારા રજત, સુવર્ણ અને રત્નમય પ્રતિમાયુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ થયું હતું.

સહસાવન (લક્ષારામવન) ની એક ગુફામાં ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે.

સહસાવનમાં શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતિશ્રીજી આદિ મોક્ષપદને પામ્યા છે.

સહસાવનમાં હાલ સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા યુક્ત અદ્-ભુત સમવસરણ મંદિર છે.

ગિરનાર ગિરિવરની પહેલી ટૂંકે હાલ ચૌદ-ચૌદ બેનમૂન જિનાલયો ગિરિવર તિલક સમાન શોભી રહ્યા છે.

ભારતભરમાં મૂળનાયક તરીકે તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળી સિદ્ધાત્મા શ્રી રહનેમિનું એક માત્ર જિનાલય ગિરનાર ગિરિવર ઉપર છે.

શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્યત્માઓને સહાય કરનાર ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવી આજે પણ હાજરાહજુર છે.

 

જય ગિરનાર. ..

            જય જય શ્રી નેમિનાથદાદા

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top