શનિવાર, 19 માર્ચ, 2022

Jinsashan

*આચાર્ય યક્ષદેવસૂરિજી અને જિનમૂર્તિઓની રક્ષા* 

                     *પરમાત્મા દેવાધિદેવ પાર્શ્વનાથની પરંપરા ઉપકેશ ગચ્છના આચાર્ય ભગવંત યક્ષદેવસૂરિજી ( ત્રીજા ) થઈ ગયા. આચાર્ય વજ્રસેનસૂરિજી મહારાજના એ સમકાલીન હતા. આટલું જ નહીં પણ ચંદ્ર , નાગેન્દ્ર વગેરે તેમના શિષ્યોને તેમને ખૂબ સારી રીતે શાસ્ત્રાધ્યાન કરાવ્યું હતું. જિન મૂર્તિઓની રક્ષાનો તેમના જીવનમાં ખૂબ જ રોમાંચ પ્રસંગ બની ગયો હતો. જે જૈન ઈતિહાસમાં નોંધાઈ ગયો છે. એ પ્રસંગને આપણે અહીં યાદ કરી લઈએ.*

                    *એક વખત પોતાના 500 શિષ્યો સાથે તેઓએ મુગ્ધપુર ( હાલનું મહુવા ) માં સ્થિરતા કરી હતી. એ અરસામાં એકાએક વંટોળિયાની જેમ મ્લેચ્છોનું સૈન્ય ધસમસતું આવી રહ્યું છે. ગામોના ગામ તારાજ કરી રહ્યું છે. મંદિરો ધરાશાયી કરવા અને મૂર્તિઓ ભાંગી નાખવી એ તો આ મ્લેચ્છ સૈન્યનો મુદ્રાલેખ બન્યો છે. એવા સમાચાર યક્ષદેવસૂરિજીને મળ્યા.*

                    *મુગ્ધપુરમાં અનેક જિનાલયો હતા. અનેક પ્રતિમાજી હતા. એની રક્ષા એ આ આચાર્યશ્રી માટે ચિંતાનો વિષય બન્યો. એ જ રાત્રિએ તેઓ ધ્યાનસ્થ થયા. અને એમના ધ્યાનબળે દેવીને હાજર થવાની ફરજ પડી. આચાર્યશ્રી એ દેવીને કહ્યું , મ્લેચ્છો ક્યાં સુધી આવી પહોંચ્યા છે ? તેની ભાળ મેળવીને મને તરત જ જણાવો. તથાસ્તુ કહીને દેવી ચાલી ગયા પણ અફસોસ ! મ્લેચ્છોના દુષ્ટ દેવતત્વે આ દેવીને બાંધી લીધા. એમની કામગીરીને નકામયાબ બનાવી.* 

                     *વધુ સમય સુધી રાહ જોયા બાદ આચાર્યશ્રી એ દેવીના આગમનની આશા મૂકી દીધી. પોતે જ હવે ધર્મ રક્ષાના કાર્યમાં લાગી ગયા. એમણે તરત જ ગામના ધર્મીજનોને ભેગા કર્યા. પરંતુ ઘણાખરા તો પોતાનો જ માલસામાનને સગેવગે કરવાની ચિંતામાં પડ્યા હતા. પણ જે કેટલાક ધર્મીજનો ધર્મરક્ષા માટે તૈયાર થયા તેમને આચાર્યશ્રી એ કામે લગાડ્યા. ' આપત્કાલે મર્યાદા નાસ્તિ ' એ ન્યાયે રાતોરાત જ પ્રતિમાઓનું ઉત્થાપન કરીને દરેક ધર્મીના માથે એકેકી પ્રતિમા મુકવામાં આવી. હજી તો ઘણાં પ્રતિમાજી રહ્યા હતા. એટલે દરેક સાધુના માથે પણ એકેકી પ્રતિમા મુકવામાં આવી. સહુ રાતોરાત આડમાર્ગે વિદાય થઈ ગયા. અને સુરક્ષિત સ્થાને વહેલી સવારે પહોંચી ગયા.*

                    *થોડાક સાધુ સાથે આચાર્યશ્રી ઉપાશ્રયમાં જ રહ્યા. સવાર પડતાં જ મહુવા ઉપર મ્લેચ્છ સૈન્ય ત્રાટક્યું. મંદિરોને ખાલી જોઈને મ્લેચ્છો ગુસ્સે ભરાયા. આચાર્યશ્રી પાસે જવાબ માંગ્યો. પણ તેઓ મૌન રહ્યા. મ્લેચ્છોએ તેમના તમામ સાધુઓને ત્યાં કાપી નાખ્યા.*

                     *આચાર્યશ્રી ને સ્તંભ સાથે મુશ્કેટાટ બાંધીને ભૂખે મારી નાખવા માટે એક મ્લેચ્છ સૈનિકને સોંપીને સૈન્ય આગળ વધ્યું. થોડી જ વારમાં ચોકીદારે સૂરિજીને નમસ્કાર કરીને ' મત્થેએણ વંદામિ ' કહીને નમસ્કાર કર્યા. તેણે કહ્યું , હું જૈન છું. વખાનો માર્યો મ્લેચ્છોની ટોળીમાં જોડાયો છું. હવે આપ વહેલી તકે અહીંથી રવાના થઈ જાઓ. આમ કહીને દયાળુ સૈનિકે આચાર્યશ્રીને નસાડી મુક્યા. નજદીકના ગામમાં તે પહોંચ્યા. ત્યાં ઘણા જૈનો રહેતા હતા. એકાકી આચાર્યશ્રી ને જોતા સહુ સ્તબ્ધ થઈ ગયા. સઘળી માહિતી મળતા આખા ગામમાં સોંપો પડી ગયો. શોક ફરી વળ્યો.*

                    *હવે શું કરવું ? આચાર્ય શ્રી પાસે એક પણ શિષ્ય નથી. તરત જ જૈન સંઘ ભેગો થયો. કેવી રીતે પ્રતિમાજીનો આચાર્યદેવે બચાવ કર્યો. અને કેવી સ્થિતિમાં તેમના કેટલા શિષ્યો કપાઈ ગયા વગેરે માહિતી સભામાં આપવામાં આવી. એ સાથે જણાવવામાં આવ્યું કે , " અત્યારે સૌ પ્રથમ કર્તવ્ય આચાર્યશ્રીને શિષ્યોથી યુક્ત કરવા તે છે. "*

                       *તરત જ કેટલાક તેજસ્વી કિશોરો અને યુવાનોની ટીપ થઈ. ધર્મ શાસનની રક્ષા કાજે સંપત્તિ આપનારા તો સહુ નીકળે પણ તેજસ્વી સંતતિ તો કોક વીરલા જ આપે ને !*

                      *ચૌદ માતાઓએ પોતાના સુયોગ્ય લાડકવાયા પુત્રો આચાર્યશ્રીના ચરણોમાં મૂકી દીધા.*

*જૈન ઈતિહાસની ઝલકો બૂકમાંથી*
*પૂજ્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top