Motivational Story 61
-------------------------------------------------------
👉 પરિવારને ભેગો કરીને Story વાંચજો.
-------------------------------------------------------
🌷 *ગરીબની ઝૂંપડી હતી. બાજુમાં જ શ્રીમંતનો બંગલો હતો.* દિવાળી બંનેને ત્યાં આવી. *પણ.. બંગલામાં ઘૂઘરા, મિઠાઈ, મઠિયા, ને ખાજા હતા. ઝૂંપડીમાં ખાવાના સાંસા હતા.* બંગલામાં આજે નવા-નવા કપડા હતા. ઝૂંપડીમાં આજે'ય જૂના ફાટેલા વસ્ત્રો હતા. *ઝૂંપડી ને બંગલામાં ઘણો બધો ફેર હતો. આસમાન જમીનનું અંતર હતું. પણ.. ઝૂંપડી ને બંગલામાં માતૃત્ત્વ same હતું, સરખું હતું.* પણ.. આ સત્ય બહુ ઓછાને સમજાય છે.
🌷 *બંગલાના છોકરાઓ મિઠાઈ ને ઘૂઘરા ખાતા-ખાતા બંગલાની lawnમાં ધીંગા-મસ્તી કરી રહ્યા હતા. ઝૂંપડીના બાળકો યાચનાભરી આંખે એમને જોઈ રહ્યા હતા.* થોડીકવાર જોયા પછી ગરીબ છોકરાઓમાંથી એક છોકરાએ કહ્યું, *"અમને થોડીક મિઠાઈ આપોને. એક ઘૂઘરો આપોને. અમે બધા વહેંચીને ખાઈ લઈશું."*
-------------------------------------------------------
_1 Point,_
_*ગરીબો 'વહેંચીને' ખાય, શ્રીમંતો 'વેચીને' ખાય!*_
-------------------------------------------------------
🌷 કથા - *બંગલાના શ્રીમંત નબીરાઓએ કઈ આપ્યું તો નહીં, ઉપરથી ડિંગો દેખાડ્યો, અંગુઠો બતાવ્યો.* તો'ય લાચાર ને લાલચભરી આંખોએ ફરી ગરીબ બાળકો બોલ્યા, *"થોડુંક આપોને."* બંગલાના નબીરાએ જીભ બતાડી ને મમ્મીને બૂમ પાડી. *બંગલાવાળી બહાર આવી, ને ગરીબ બાળકોને દરવાજા બહાર ઉભેલા જોયા. એણે ગરીબને જોતા જ ચીલ્લંચિલ્લી કરી દીધી.* ને દરવાજો ખોલીને ઝૂંપડીવાળીને બૂમ પાડીને બોલાવી. ને આવતા જ બંગલાવાળીએ બોલાચાલી કરીને ધમકાવી નાખીને કહી દીધું, *"તારા છોકરાને કહી દેજે, મારા બંગલાના દરવાજે ઉભા ન રહે. ને જો બીજી વાર મારા બંગલા સામે તારા છોકરા ડોકાયા છે, તો હાડકા તોડી નાખીશ."* ને કૂતરાની જેમ હડહડ કરતા બધાને હાંકી કાઢ્યા.
-------------------------------------------------------
_યાદ રહે,_
_*સંપત્તિ બહારથી આવે છે,*_
_*સંસ્કાર ઘરમાંથી આવે છે.*_
-------------------------------------------------------
🌷 કથા - ગરીબ બાઈ બંગલાવાળી શેઠાણીની સામે અપરાધીની નજરે જોઈ એટલું જ બોલી, *"હા બા, નહીં આવવા દઉં."* ઝૂંપડીમાં આવતા તો એની આંખમાંથી આંસુ ખરી પડ્યા.
-------------------------------------------------------
_1 મિનિટ,_
_*Factoryના workersમાં, ને ઘરના નોકરોમાં, ને પેટીયું રળતા મજૂરોમાં'ય કુદરતે.. કરમે.. દિલ મૂક્યું હોય છે. વારે ઘડીએ એને ઉતારી પાડતા, ને બધા વચ્ચે ધમકાવી કાઢતા આટલું feelings રાખજો. એ'ય તમારા જેવો માણસ છે.*_
-------------------------------------------------------
🌷 કથા - ગરીબ બાઈ ચૂલો ફૂંકવા બેઠી. ત્યાં જ બાળકો આવ્યા, ને કહ્યું, *"બા! આજે દિવાળી છે. અમારે મિઠાઈ ખાવી છે. અમને ખાજા ને ઘૂઘરા જોઈએ."* એક તો શેઠાણીએ કરેલો તિરસ્કાર, ગરીબી, ને દિવસોનું ભૂખ્યું પેટ. *બાઈને ગુસ્સો આવી ગયો. એણે બાજુમાં પડેલો પથ્થર ઉપાડ્યો, ને ઘા કર્યો. બધાની વચ્ચે ઉભેલા રામજીના કપાળે પથરો વાગ્યો, ને લોહીનો ફુવારો છૂટ્યો.*
🌷 બધા છોકરા માંનો ગુસ્સો જોઈ ને નીકળતા લોહીને જોઈ ભાગી ગયા. *પણ. માં ભાગીને.. દોડીને આવી.. દીકરા પાસે. ને પોતાનો સાડલો ફાડી પાટો બાંધ્યો.* ને પોતે રડવા બેઠી, ને દીકરાને છાંતી સરસો ચાંપી બોલી, *"રામજી! બેટા! તારા માટે ઘૂઘરા ને મિઠાઈ લાવીશ હોં, છાનો રહીશ."* ઊંડો ઘા થોડા દિવસે રુઝાઈ ગયો. પણ.. ઘાનું નિશાન રહી ગયું.
-------------------------------------------------------
_One Minute,_
_*શ્રીમંતનો ઘા ડોક્ટર રુઝવે, ગરીબનો ઘા કુદરત રુઝવે. વગર ડીલે, ને વગર બિલે.*_
-------------------------------------------------------
🌷 કથા - વર્ષો વીત્યા. *બદલાતો રહે, એનું નામ સમય. રામજી ગરીબનો છોકરો, ઝૂંપડીમાં જનમનારો ને રહેનારો.. સમય બદલાયો, ને ઝૂંપડીનો રામજી અત્યારે મેડીઓમાં રમતો રામજી શેઠ હતો.* બે માળના મેડીબદ્ધ મકાનમાં વસતા રામજી શેઠ અત્યારે માર્કેટના king હતા. *માતા-પિતાને રેશમી તલાઈઓમાં એમણે વિદાય આપી હતી.* ને ભાઈઓને- બેનોને પોતાના ધંધામાં પોતા જેવા જ કર્યા.
🌷 *ધાર્મિક પ્રવૃત્તિ, સૌમ્ય પ્રકૃતિ, ને પરોપકારની વૃત્તિએ.. એમને ધાર્મિક સંસ્થાઓ ને સ્થાનોમાં, ને સમાજમાં પાંચમા પૂછાય એવા બનાવી દીધા હતા.* આમ તો એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું જ હતું. *પણ.. એમની એક રોજની ટેવ કહો, કે hobby કહો, કે ક્રિયાકાંડ, જે પણ.. એ રોજ સવારે 9:00 થી 9:30 પોતાનો રૂમ બંધ કરી બેસે, ને અંદર શું કરે, તે કોઈને ખબર નહિ.* પણ.. અડધો કલાક રોજનો આ ક્રમ ચાલે જ. ઘરમાં બધાને કુતૂહલ થાય. પણ.. શેઠને પૂછે કોણ?
🌷 ધીમે-ધીમે આ વાત બજારમાં'ય ફેલાઈ ગઈ. *કાગડો ને કાન હંમેશા પોતાના જાતિભાઈને ખબર આપ્યા વગર ન રહે. કાન.. જીભથી કામ લેતા હશે.* જે હોય તે, પણ.. બજારમાં'ય વાત ચર્ચાઈ. *એક દિવસ, બજારના દોસ્તોએ ને વેપારીઓએ નક્કી કર્યું કે, આપણે 9:00 વાગે શેઠને ત્યાં પહોંચી જવું. ને એ શું સાધના કરે છે, માળા કરે છે, કયા દેવીને શેઠે સિદ્ધ કર્યા છે, એ બધું જોઈએ.*
🌷 બીજે દિવસે શેઠ રૂમ બંધ કરીને બેઠા. *બધાએ ઘણી મથામણ કરી અવાજ ન થાય એ રીતે, પણ.. દરવાજો કે બારી કંઈ ન ખુલ્યું.* છેલ્લે.. બારણાની તડમાંથી જોયું, ને ધીમે-ધીમે દેખાયું કે, *શેઠ મોટા કાચને સામે રાખીને હોઠ ફફડાવી કોઈ મંત્રજાપ કરે છે.* બધાએ પાક્કું કર્યું, શેઠની સાધના કાચ પર-અરીસા પર છે. ત્યાં જ શેઠે દરવાજો ખોલ્યો, ને બધાને જોતા જ અચંબામાં પડી ગયા. ને બોલ્યા, *"આવો, આવો, પધારો! મહાજન ક્યારે પધાર્યું?"*
🌷 પણ.. બધાનો રસ શેઠમાં નો'તો. એટલે બે-ચાર જણે પૂછી લીધું કે, *"શેઠ શેની સાધના કરો છો? આ કાચમાં કયો મંત્રજાપ કરો છો? અમને'ય કહો, અમે'ય તમારી જેમ રોજેરોજ વધીએ."* રામજી શેઠ બોલ્યા, *"આવો, શેઠિયાઓ! અંદર આવો."* ને કહ્યું, *"આ કાચમાં હું રોજ મારા ગુરુના દર્શન કરું છું."* ને બધાને કાચ સામે બેસાડ્યાં. ને કહ્યું, *"તમને કાચમાં કંઈ દેખાય છે?"* બધા કહે, *"ના, કંઈ નહીં. આપણા બધાના મોઢા દેખાય છે. કોઈ દેવી માં નહિ."*
🌷 રામજીભાઈ કહે, *"હવે ધ્યાનથી જુઓ, હું જે દેવના દર્શન કરું છું રોજ કાચમાં, એ તમને હમણાં દેખાશે, ને મારો મંત્રજાપ પણ તમને સંભળાશે."* બધા એકચિત્તે એકાગ્ર બની કાચમાં જોવા લાગ્યા. ને રામજી શેઠે પોતાની આંગળી ઊંચી કરી, ને ગળગળા સાદે ને ભીના નયને કપાળ તરફ આંગળી ચીંધી બોલ્યા, *"રામજી! ધ્યાન રાખજે, કો'કની સંપત્તિએ તારા કપાળમાં ઘા કર્યો છે. તારી સંપત્તિ કોઈના કપાળમાં ઘા ના કરે, તે જોજે."*
🌷 108 વાર રામજીભાઈ કપાળ તરફ આંગળી કરતા જાય ને મંત્ર બોલતા જાય, *"રામજી! કો'કની સંપત્તિએ તારા કપાળમાં ઘા કર્યો છે, તારી સંપત્તિ કોઈના કપાળમાં ઘા ન કરે."* બધાની આંખમાં અચરજ પણ હતું ને આંસુ પણ. છેલ્લે બધાએ પૂછ્યું, *"શેઠ! સમજણ નથી પડતી. ખુલાસો કરોને."* ને રામજી શેઠે દિવાળી, ને બંગલાવાળી, ને માંએ મારેલો પથ્થર.. આખી વાત કરીને છેલ્લે કહ્યું, *"હું રોજ બજારમાં આવતા પહેલા અડધો કલાક મારા ગુરુનું ધ્યાન ધરું છું, એ આ જ ઘા, મારો ગુરુ. રોજ એ દિવસોને યાદ કરું છું, બોલું છું, જેથી સંપત્તિનો અહંકાર ન આવે, ને કોઈ ગરીબનો તિરસ્કાર ન આવે."* બધા જ રડ્યા.
_*કથા તો અહીં પૂરી કરીએ. અનલોક-1 માં બેઠા છો, આ કથામાંથી મળતી પ્રેરણાને ઝીલી તમારા પર નભતા માણસને, તમારા મિત્રને, સાધર્મિક ભાઈને, જરૂરતમંદને ફંડથી કે ફોનથી થોડીક હેલ્પ કરજો.*_
*પેટની ભૂખ.. માણસને 'લાચાર' બનાવે છે,*
*પણ.. પૈસાની ભૂખ તો, માણસને 'ક્રૂર' બનાવે છે.*
*વિચારજો,*
*જગત માટે વધુ ખતરનાક કોણ છે?*
*પેટનો ભૂખ્યો? કે પૈસાનો ભૂખ્યો?*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો