બુધવાર, 15 જુલાઈ, 2020

રત્ન કણિકા હાસ્યમાં થી વૈરાગ્ય તરફ

આચાર્ય અજિતશેખરસૂરી મ.સા. લિખિત પુસ્તક
"પ્લેટિનમ" માંથી
1️⃣2️⃣

એક ગરીબે શેઠ પાસે ૧૦ રૂા. માંગ્યા. 
શેઠે પૂછ્યું -શા માટે જોઇએ છે? 
ગરીબે કહ્યું - બકરી ખરીદવી છે.
શેઠે કહ્યું - પણ તું ૧૦ રૂા. પાછા ન આપે ત્યાં સુધી વ્યાજ પેટે શું આપશે?
ગરીબે કહ્યું - વ્યાજના હિસાબ આપ જાણો. 
શેઠે કહ્યું - સાંભળ! તું ૧૦ રૂા. પાછા ન આપે, ત્યાં સુધી બકરી ભલે તારી પાસે રહી, પણ એનું દૂધ મને આપવું પડશે. 
શેઠે આ શરત કરી ૧૦ રૂા. આપ્યા. 
પેલો ગરીબ બકરીને સાચવે, ઘાસ ખવડાવે, દોહે, પણ એને શું મળે? છાણ અને મૂતર!  - હા ખાતર! 
દૂધ બધું શેઠ પાસે જાય. શેઠને મજા પડી ગઇ. 
એમાં પેલા ગરીબને ચમકતો પથ્થર મળ્યો. 
શેઠે જોઇને કહ્યું - મને આપ! ગરીબે પૂછ્યું - શું આપશો? 
શેઠે કહ્યું - ૧ રૂા. 
શેઠને રોજ દૂધ પહોંચી જતું હતું, તેથી એ ગરીબ દુ:ખી હતો. જે માટે બકરી લીધી, એ કામ તો થયું નહીં. 
ગરીબે કહ્યું - શેઠ ૧૦ રૂા. આપો. બકરીનો હિસાબ ચુકતે કરો. 
પણ શેઠને મફત મળતું દૂધ - વ્યાજમાં રોજનું રોકડું આઠ આનાનું મળતું દૂધ દાઢે વળગેલું! 
શેઠે કહ્યું - જા! જા! હાલતો થા! પથ્થરના કંઇ ૧૦ રૂા. અપાતા હશે!

ગરીબ તો ત્યાંથી નીકળી ગયો. બીજા શેઠની નજર પડી. ૧૦૦ રૂા. આપી પથ્થર ખરીદી લીધો. 
ગરીબ ખુશ થઇ ગયો. 
શેઠને ૧૦ રૂા. ચુકવી કહ્યું - આ તમારો હિસાબ પૂરો! હવેથી દૂધ મારું! 
શેઠે પૂછ્યું -ક્યાંથી રૂા. લાવ્યો? 
ગરીબે બીજા શેઠે ૧૦૦ રૂા. આપ્યાની વાત કરી. 
ત્યારે શેઠે કહ્યું - અલ્યા મૂરખ! આ તો ચિંતામણિરત્ન હતું. લાખો રૂા.માં પણ વેંચાય નહીં . 
ગરીબે કહ્યું-શેઠ! મને તો ખબર ન હતી. મારે માટે તો પથ્થર હતો, તેથી ૧૦૦ રૂા. પણ ઘણા કહેવાય. પણ આપ તો જાણતા હતા. છતાં દસ રૂા. ખાતર પણ લેવા તૈયાર થયા નહીં. તો મૂરખ તમે કે હું?

જેઓ માનવભવને ચિંતામણી તુલ્ય માનતા નથી, તેઓ આ ભવને ફાલતુ મોજ-મજા, વાત-ચીત, ગપ્પા વગેરેમાં ઉડાવે, તેઓ અજ્ઞ છે. પણ જે જૈન માનવભવ ચિંતામણીતુલ્ય છે એ ખબર પડ્યા પછી પણ ધર્મસાધના કરી ભવિષ્યને સુધારવાને બદલે એવી મોજ-મજામાં ઉડાવી દે છે, એ તો મૂરખ જ ગણાય.

સુખશીલતા અને અનુકૂળતા, સ્વાદ અને વ્યસન, લોભ અને સ્ટેટસ જેવી અલ્પકાલીન તુચ્છ બાબતોમાં ફસાયેલો જે એટલા ખાતર ધર્મ માટે જરુરી ગણાતું સમાન્ય કષ્ટ પણ સહેવા તૈયાર થાય નહીં, એ થોડા દૂધના લોભમાં ચિંતામણિ ગુમાવનારા શેઠ જેવા છે.


😀 હાસ્યમાં થી વૈરાગ્ય તરફ ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top