ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 99

-------------------------------------------------------
_પ્રભુ વીર સદેહે આ પુણ્યભૂમિ પર પગરવ માંડતા હતા ત્યારે.._
_માનવામાં ન આવે, છતાં માનવી જ પડે એવી એક બનેલી હકીકત_
_વાંચો, પરિવાર સાથે.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*હિમાલયની ઊંચાઈ કદાચ મપાય, સાગરની ઊંડાઈ કદાચ જણાય, આકાશની પહોળાઈ કદાચ કહેવાય, પણ.. આ દુનિયામાં એવા'ય સજ્જનો ને સંતો છે, જેની ઊંચાઈ, પહોળાઈ કે ઊંડાઈ માપવી કે મળવી અઘરી છે.*

એ લોકો કરી જનારનું'ય કરે છે. એમની સજ્જનતા સીમાતીત હોય છે ને આપણે માટે કલ્પનાતીત હોય છે.

_વાંચો, ઈતિહાસની સદાબહાર સત્યઘટના._

🌕 *હીરે જડેલ પારણે ને રૂપાના ઘૂઘરે રમનાર ને સોના-ચાંદીના થાળી-કટોરે જમનાર, પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા વૈભવના સ્વામી શ્રેષ્ઠિ શાંતનુ આજે પત્ની કુંજાદેવી સાથે ઉદાસ ને ભૂખ્યા પેટે બેઠો છે.* ભાગ્ય એવું રૂઠ્યું કે, ઘરમાં ખાવાનું ખૂટ્યું. એ હદે ખૂટ્યું કે, બે દિવસથી અન્નનો દાણો'ય પેટમાં પડ્યો નથી.

🌕 શાંતનુએ પત્ની કુંજાદેવીને કહ્યું, *"આજે રાતના મેં વિચાર્યું છે...''* ને કુંજાદેવીએ મોઢે હાથ દઈ દીધો, ને કહ્યું, *"સ્વામી! કોઈ અજુગતો, કોઈ અશુભ વિચાર ના કરતા. કોઈ પરિસ્થિતિ Permanent નથી.* કોઈ વાદળા કાયમી નથી. દરેક વાદળા કામચલાઉ જ હોય છે. જરૂર હોય છે, થોડાક ખમીરની ને જિંદગીને થોડાક સમયની. *સમય બધું જ બદલી શકે છે. હિંમત હારે નહિ, તે ક્યારે'ય હારે નહિ.''*

🌕 શાંતનુ કહે, *"કુંજાદેવી! તમને ખબર નથી. હું અંદરથી તૂટી ગયો છું.''* કુંજાદેવી, *"અંદર બેઠેલો ભગવાન તમને તૂટવા નહિ દે, ચિંતા ના કરો.''* બીજા દિવસે શાંતનુએ કહ્યું, *"મેં એક રસ્તો વિચાર્યો છે, અને એ છે ચોરીનો. એકવાર ચોરી કરી લઉં ને નાનકડો ધંધો કરું. પછી પાછા વ્યાજ સાથે ચૂકવી દઈશું ને માફી માંગી લઈશું.''* કુંજાદેવી, *"સ્વામી! તમારું Royal Blood, ખાનદાની પરિવાર.. તમને આવો વિચાર આવ્યો જ કેમ?''*

🌕 શાંતનુ, *"કુંજાદેવી! આ સિવાય બીજો રસ્તો કયો? આપઘાત એ તો મહાપાપ છે. એ તો કાયરતા છે. જૈન લોહી આપઘાતને ન જ સ્વીકારે. એટલે આ વિચાર્યું અને આ કરવી જ પડશે ને હું કરવા જવાનો.''* એ વખતે કુંજાદેવી બોલ્યા, *"સ્વામી! જો ચોરી અનિવાર્ય છે, હાથ લાંબો કરતા પ્રાણ ટૂંકો પડશે, તો.. સાધર્મિક ભાઈને ત્યાં જ કરજો.* ને એ આપણો ધરમભાઈ-ધર્મિષ્ઠ હોવો જોઈએ ને ઘનિષ્ઠ હોવો જોઈએ. નહિ તો આપણા પ્રાણ બચાવવા જતા એ પ્રાણઘાત કરી દેશે. *ને બીજુ ચોરી કરતા પકડાઈ જશો ને તો'ય એ સાધર્મિક હોવાના નાતે આપણને સમાજમાં બદનામ નહિ કરે, Court ને Jail ને સોપારી નહિ આપે.''*


-------------------------------------------------------
_એક મિનિટ, કથા પછી વાંચજો.._
_*એક શ્રાવિકાને એક જૈન પર કેટલો ભરોસો! સાચે જ જૈન જોડે જુલમ ન કરાય, એને બદનામ ન કરાય. સમાજમાં લાખ્ખો રૂપિયાના Donation અપાય તો આપજો ને ન અપાય તો નવકાર ગણજો. પણ.. કોઈ સાધર્મિકને શરમજનક સ્થિતિમાં મૂકીને તમારા ધર્મને શરમજનક સ્થિતિમાં ન મૂકશો.*_
-------------------------------------------------------


🌕 કથા - ને શાંતનુ રાતે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા આવ્યો. ઘણા શ્રેષ્ઠિઓ પ્રતિક્રમણ કરવા રોજ આવતા. *શાંતનુ છેલ્લો બેઠો. એણે જોઈ લીધું, જિનદાસ શેઠે સોનાનો હાર ને કપડા ખીંટી પર ઠેરવ્યા છે. એનું મન પ્રતિક્રમણમાં આજે નો'તું.* એનો માંહેલો કહેતો હતો, *'શાંતનુ, પ્રતિક્રમણ તો પાપથી પાછા ફરવા કરવાનું છે ને તું પાપમાં પડવા માટે કરે?'* શાંતનુએ આત્માના અવાજને સાંભળ્યો, એણે મન ફેરવ્યું.

🌕 પણ.. પ્રતિક્રમણ પૂરું થતા તો એને પેટ-પરિસ્થિતિ ને અંતિમ પરિણામોના વિચાર આવી ગયા. *ને છેલ્લે..દુઃખી હૈયે એણે સામાયિક પહેલુ ને વહેલુ પારી લીધું. એ કપડા લેવા ખીંટી પાસે ગયો ને કપડા લેતા લેતા શેઠનો હાર પણ સીફતથી લઈ લીધો.* ને ઘેર જઈ કુંજાદેવીને આપ્યો. કુંજાદેવી હાર હાથમાં લેતા ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા. શાંતનુ પણ હીબકા ભરીને રડ્યા. *બેમાંથી કોણ કોના આંસુ લૂછે!*

🌕 રાત આખી બંન્ને પતિ-પત્નીએ જાગતા-રડતા ને ટળવળતા વિતાવી. *સવારે કુંજાદેવીએ હાર ગીરો મૂકવા જિનદાસ શેઠને ત્યાં જવા કહ્યું.* શાંતનુ ચમકી ગયો, *"કુંજાદેવી! તમે શું કહો છો? જેનો હાર ચોર્યો, એને ત્યાં જ ગીરો મૂકવા જવાનું?"* કુંજાદેવી, *"હા સ્વામી! ત્યાં જ.. એમને જ થાપણ તરીકે આપવો ને કહેવું, 5,000/- આપો.''*


-------------------------------------------------------
_એક મિનિટ, કથા પછી વાંચજો.._
_*તમને નથી લાગતું, આવી સલાહ આપનારી સ્ત્રીના હિસાબે જ કહેવત પડી હશે, 'બૈરાની બુદ્ધિ પાનીએ.!' જેનો હાર ચોર્યો, એને ત્યાં થાપણ મૂકવા જવું. અટલે.. સામે ચડીને વાઘની બોડમાં હાથ નાંખવો. પણ સ્ત્રી માટે આવું બધુ બોલ્યા હો તો.. એકવાર આ સત્યઘટના વાંચીને જો ભૂલ લાગે, તો માતૃત્વનું અપમાન ન કરશો.*_

_*હજુ આગળ કથા વાંચો. તમે આ બેનની પ્રજ્ઞા પર સમજ પર ઝૂકી જશો, ઝૂકી જ જશો.*_
-------------------------------------------------------


🌕 કથા - શાંતનુ કહે, *"શું જિનદાસ શેઠને ત્યાં જ થાપણ મૂકવા જાઉં?''* કુંજાદેવી, *"હા સ્વામી! વિશ્વાસ રાખજો. એ સાધર્મિક છે. એમને 'સાધર્મિકના સગપણ' બધાથી શ્રેષ્ઠ છે, એ ખબર છે.* એમને તો ખબર પડી જ ગઈ હશે કે, હાર તમે લીધો છે. પણ.. એ મનમાં વિચારતા હશે કે, મારા સાધર્મિકને આવુ કરવું પડ્યું. એ વાંક મારો જ છે. *જાઓ, સ્વામી! એ પ્રેમથી સ્વીકારશે, ને 5,000/- આપી દેશે.''*

🌕 આ બાજુ જિનદાસ શેઠે પ્રતિક્રમણ પાર્યું. કપડા પહેર્યા. પણ.. હાર ન મળ્યો, કપડા ખંખેર્યા, નીચે તપાસ્યું પણ હાર ન મળ્યો. *જિનદાસ શેઠને સમજતા વાર ન લાગી કે, આ હાર લઈ જનાર શાંતનુ જ છે.* આજુબાજુના શ્રાવકોએ પૂછ્યું, *"શેઠ! કંઈ ખોવાયું? કંઈ પડી ગયું?''* જિનદાસ કહે, *"ના.. ના.., કશું જ ખોવાયું નથી.''* પણ.. આખી રાત જિનદાસ શેઠ ઊંઘી ન શક્યા.

🌕 એમને રહી રહીને રડું આવે જતું કે, *"મેં મારા સાધર્મિક ભાઈની કેટલી ઉપેક્ષા કરી. હું કેટલો બેધ્યાન રહ્યો.* આટલી હદ સુધી મારા ભાઈને ક્યારે જવુ પડ્યું હશે. એની મનની પીડા અસહ્ય બની હશે. એની પેટની આગ કેવી ભભૂકી હશે. એ કેટલો મૂંઝાયો હશે. *એનો પરિવાર કેટલો રીબાયો ને રડ્યો હશે. આ બધાનું મૂળ હું જ છું. મેં જ પ્રમાદ કર્યો. મેં જ મારા સાધર્મિક ભાઈની ખબર ના લીધી, પ્રભુ મને માફ કરો."*

🌕 શાંતનુ કેટલો મોટો ધનાઢ્ય ને ધર્મિષ્ઠ. *એની શહેરભરમાં કેટલી ઈજ્જત, આબરુ ને માનપાન કેટલા, એ મને ખબર છે. છતાં કઈ હદે એ તૂટી ગયો હશે કે, આ પગલું એણે લેવું પડ્યું.* પણ.. મને વિશ્વાસ છે, છે મારો સાધર્મિક ભાઈ, એ આવશે અહીં જ. _*કેવા ઉમદા માનવીઓ!*_

🌕 *આ બાજુ સવારે જિનદાસ શેઠ પેઢીમાં બેઠા છે, ને શાંતનુ આવ્યો.* જ્યાં એને દૂરથી જોયો ને શેઠ જિનદાસની આંખો હરખી ઊઠી. શાંતનુએ જેવો પેઢીમાં પગ મૂક્યો, ને શેઠ જિનદાસે ઉમળકાભેર આવકાર્યા, ને કહ્યું, *"આવો.. આવો.. શાંતનુ! પ્રણામ, પ્રણામ.''* શેઠે ખૂબ આત્મીયતાથી વાતો કરી ને પૂછ્યું, *"શાંતનુ, બોલ! બીજા કંઈ સમાચાર? કેમ આવવાનું થયું?"*

🌕 ને શાંતનુને હિંમત થઈ. એ કહે, *"શેઠ! અચાનક જરૂર પડી છે. આ હાર પર 5,000/-નું ધીરાણ કરશો?''* શેઠ જિનદાસનું મન રાજી રાજી થઈ ગયું. શેઠ જિનદાસ કહે, *"લાવો હાર.''* ને શાંતનુ એ હાર આપ્યો. *ને એના મનમાં ધ્રાસકો પડ્યો. કદાચ.. શેઠ બધાની વચ્ચે ચોર-ચોર કહીને પકડી લેશે. પણ.. ઝેર પીને શંકર થનારા ને હકનું રાજ્ય છોડી રામ થનારા, શેત્રુંજા ગઢની સવા-સોમાની ટૂંક બાંધનારાના દેશમાં શેઠ જિનદાસ જન્મ્યા હતા.*

🌕 એમણે કહ્યું, *"શાંતનુ! બસ.. 5,000/- જ જોઈએ છે? આની ઉપર તો વધારે જોઈએ એટલા ધીરી શકાય છે.''* ને 5,000/- રૂપિયા લઈ શાંતનુ શેઠને પ્રણામ કરી ઊભો થયો. ત્યારે શેઠે કહ્યું, *"આવી રીતે આવતો રહેજે.''* પુણ્યશાળીનો સુકનનો પૈસો ઘરે આવ્યો. *શાંતનુએ નાની દુકાન ખોલી. ને સમયે સાથ આપ્યો. ને થોડા જ સમયમાં શાંતનુ ને કુંજાદેવી વ્યાજ સહિત નાણા લઈ શેઠ જિનદાસની પેઢીએ પહોંચ્યા.*

🌕 ને શેઠને વ્યાજ સાથે 5,000/- આપ્યા. ને શાંતનુએ શેઠ જિનદાસના પગ પકડી લીધા ને બંધ આંખોમાં દરિયો ઉભરાણો. બંન્ને ખૂબ રડ્યા. ને કહ્યું, *"શેઠ! હાર ચોરનારને હૈયાનો હાર બનાવનારા તમને મારા લાખ લાખ પ્રણામ! શેઠ! મને માફ કરો. તમારો હાર મેં ચોર્યો. તમને ખબર છે, છતાં.. તમે પૈસા ધીરો? શેઠ! મનુષ્યના દેહમાં તમે દેવતાથી અધિક છો, અમને માફ કરો.''*

🌕 હજુ આગળ પતિ-પત્ની બોલે ત્યાં તો શેઠ બોલ્યા, *"શાંતનુ! માફી તો તું મને આપ. મેં મારા સાધર્મિક ભાઈની કેટલી ઉપેક્ષા કરી. આ મારો અપરાધ તું ક્ષમા આપી દે.''* એમ કહે છે, *એક દિવસ પ્રભુ મહાવીરસ્વામીના સમવસરણમાં બંન્નેએ જાહેરમાં ઊભા થઈ રડતી આંખે પ્રભુ પાસે પ્રાયશ્ચિત માંગ્યું.* વિચારો, એ વખતે કયું હૃદય કોરું રહ્યું હશે!

_*કથા તો પૂરી કરીએ. પણ.. સાધર્મિક પ્રેમની મિશાલ જેવા સાધર્મિક ભાઈની લાગણીના શિખર જેવા. સાગર જેવી ગંભીરતાના સ્વામી શેઠ જિનદાસને એકવાર વંદના કરો. ને જાહેર કરવાની આપણી જીજીવિષાને સ્હેજ વળાંક આપીએ. ઢોલ પીટવાની આદતને થોડીક બદલીએ ને કોઈપણ સાધર્મિકને આ હદે ન જવું પડે તે માટે જાગ્રતિ રાખીએ.*_

_*આ Lockdownના મહિનાઓએ આજ સુધી ધર્મમાં ખર્ચનારને'ય ખર્ચો કેમ કાઢવો તે પ્રશ્ન ઊભો કરી દીધો છે. તપાસો કોઈ સાધર્મિક ક્યાંક તૂટી ગયો હોય એનો રોજિંદો ખર્ચો'ય ન નીકળે એ હદે પહોંચી ગયો હોય, તો જાઓ, જલ્દી કરો. એ કંઈક ખોટુ પગલું લે, એ પહેલા તમે પહોંચી જાઓ. ફરીથી, શેઠ જિનદાસ તમને શાબ્બાશ! શાબ્બાશ!*_


*ए रब! मेरी दुआओ का इतना तो असर रहे,*
*मेरे भाई के चहेरे पर हमेशा मुस्कराहट रहे!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top