ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 73

-------------------------------------------------------
_પરિવાર સામે જ વાંચજો.. ધર્મનો મર્મ જેણે ઊંડો સમજ્યો છે, એવી એક અબળા સ્ત્રીની સત્ય વાત.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*ઉત્સાહથી કાર્ય શરુ થાય, સમજણથી નિયમ લેવાય, પણ.. કાર્ય પૂરુ થાય ને નિયમ પળાય, એ તો સત્ત્વને જ આભારી છે.* સત્ત્વ વગરના માણસો કાર્યને અધવચ્ચે છોડી દેતા હોય છે. ને લીધેલા નિયમો તોડી દેતા હોય છે. *કાર્યમાં આવતી કઠિનાઈ ને નિયમમાં આવતી કસોટી એમને ઢીલા કરી નાખે છે. કઠિનાઈ ને કસોટીનો મુકાબલો સત્ત્વ સિવાય શક્ય નથી.* વાંચો, એક સત્ય ઘટના... કઠિનાઈ ને કસોટી સાથે થયેલા અબલાના મુકાબલાની.

🏅 *સાત-સાત ભાઈની એકની એક લાડકી બેન. માતા-પિતાને, દાદા-દાદીને, સૌને એની ઉપર અનહદ પ્રેમ. અપાર લાડ.* દીકરી મોટી થઈ. ઊંચું ઘર ને ઊંચા વરને ખૂબ તપાસીને-ચકાસીને, પરીક્ષા કરીને દીકરીને વળાવી. *બધું જ સાસરે સરસ હતું. પણ.. માતા-પિતા ને ભાઈઓની આંખોની તરસ, બેનને વારંવાર પ્રસંગે ખેંચી લાવતી.* જમાઈ પણ સ્નેહાળ ને સમજદાર હતા. 

🏅 જિંદગીના વરસ.. હરસ સાથે સરસ, ખૂબ સરસ વીતી રહ્યા હતા. *એક દિવસ... દીકરીને તેડું આવ્યું કે, તારા પૂરા પરિવારને લઈને તું તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થે આવી જા. પરિવારે 99 યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે.* તું સપરિવાર સાથે જોડાઈ જા, બધાને લઈને આવી જા. ને વેવાઈ પક્ષને પણ આમંત્રણ આગ્રહભર્યું ને ભાવભર્યું વારંવાર આપ્યું. *વેવાઈપક્ષે ખૂબ વિચાર્યું, પણ.. જવાનો મેળ જ ન પડ્યો.*

🏅 ત્યારે એમણે વેવાઈને કહેવડાવ્યું, *"આપનો આગ્રહ ખૂબ જ છે. અમારે આવવું'ય છે જ. પણ.. આ કારણે નથી આવી શકાતું. અમે પુત્રવધૂને મોકલાવીએ છીએ. સમય મળે ચોક્કસ આવી જઈશું."* પુત્રવધૂને પ્રેમથી મોકલી. *99 યાત્રાનો આરંભ ખૂબ જ ભવ્યતાથી ને ભક્તિભીનો થયો.* સાત ભાઈઓ ને એમની પત્નીઓ એકની એક નણંદને અદકેરી સાચવે છે. *નણંદ-ભોજાઈનો પ્રેમ ઘરમાં સરબતી માહોલ સર્જે.*

🏅 યાત્રાના ત્રણ દિવસ તો થોડાક લાગ્યા, પણ.. ચોથે દિવસે તો માત-પિતા ને ભાઈ-ભાભી ને બેન દોડતા થઈ ગયા. *સાત દિવસમાં 20 જેટલી યાત્રા કરી લીધી. હવે તો ચડવા-ઉતરવાની ઝડપ વધી એટલે યાત્રાની સંખ્યા'ય વધતી ગઈ.* આખો'ય પરિવાર યાત્રામય બની ગયો છે. ખૂબ ઉલ્લાસથી યાત્રા થઈ રહી છે. *એમાં આઠમે દિવસે અમદાવાદથી સવાર-સવારમાં સમાચાર આવ્યા, ને સમાચાર સાંભળતા તો.. સમાચાર લાવનાર ને લેનાર બંન્ને રડવા માંડ્યા.*

🏅 પરિવારના લગભગ બધા જ યાત્રા માટે દાદાને ડુંગરે હતા. *ઘરના વડિલે સમાચાર ને આંસુ બંન્ને દબાવી દીધા. પણ.. એમનો આત્મા ખૂબ તડફડતો ને પીડાતો રહ્યો.* બપોર સુધીમાં તો બધા યાત્રા કરીને આવી ગયા. અમાસી ચહેરા પર પૂનમનો ઢોળ આપી વડિલે બધાને એકાસણા કરાવ્યા. ને કહ્યું, *"બધા જ ઉપરના હોલે આવજો."* પરિવાર બેઠો. બધાને થયું, એવી તે શું વાત હશે કે જે કહેવા બધાને ભેગા કર્યા!

🏅 *કોઈએ ગોઝારા સમાચાર નથી જાણ્યા, એટલે.. બધાના વિચારો જુદા-જુદા ચાલતા રહ્યા.* ત્યાં જ વડિલે બોલવાની શરુઆત કરી. *પણ.. એમની આંખો નાજુક પાંપણની પાળને તોડી આંસુઓ બહાર ધસી આવ્યા, એ રડી પડ્યા.* બધાને લાગ્યું, સમાચાર માઠા છે, અશુભ છે. *બધા ખામોશ થઈ ગયા.* ને ભૂમિકા કરતા-કરતા ખૂબ હિંમત જગવી એમણે કહ્યું, *"આપણું કોઈક ભારે કર્મ ઉદયમાં આવ્યું છે. ને અમદાવાદથી સમાચાર આવ્યા છે કે, આપણા એકના એક જમાઈ આપણને છોડીને.. .. .."*  ને પછીના શબ્દો હીબકા ને આંસુએ કબ્જે લઈ લીધા.

🏅 *ને એકાએક પહાડ તૂટી પડ્યો હોય ને ધરતીકંપે જાણે મકાનને હચમચાવી દીધું હોય એમ, સૌ બેબાકળા બની ગયા.* ને પથ્થરના જાણે પૂતળા બની ગયા હોય એમ સ્તબ્ધ બની ગયા. ને પછી તો ઘેરા રુદનમાં સૌ ડૂબી ગયા. *એકની એક લાડકી દિકરીને વળગી પડી માત-પિતા, ભાઈ-ભાભી ને પરિવાર ખૂબ રોયો.*

🏅 છેલ્લે.. અમદાવાદથી Urgent સમાચાર આવ્યા, *"તમે બધા અમદાવાદ આવી જાઓ."* ઉદાસ ને ખામોશ બેઠેલી દીકરીને રડતી માતાએ-ભાભીઓને કહ્યું, *"આપણે અમદાવાદ જવાનું છે. આપણી ત્યાં બધા રાહ જુએ છે."* 


-------------------------------------------------------
_એક મિનિટ, કથા પછી વાંચજો._
_*આવા સમયે આપણા મનમાં શું વિચારો આવે? કદાચ.. આપણું મન ધર્મ પરથી ઊઠી જાય, ને આપણી ધર્મશ્રદ્ધા હલી ઊઠે, ને આપણે ધર્મથી દૂર થઈ જઈએ, ને કદાચ બોલી દઈએ - આના કરતાં યાત્રા કરવા ન આવ્યા હોત તો સારું થાત. પણ.. આ પતિ ગુમાવી બેઠેલી એક સત્ત્વશાળી અબલા શું કહે છે તે વાંચો.*_
-------------------------------------------------------


🏅 કથા - તે વખતે આંખના આંસુ લૂંછીને આ દિકરી બોલી, *"પિતાજી! એ તો ચાલ્યા ગયા. મારા ઋણાનુબંધ પૂરા થયા. જિંદગીની વાટમાં સંગાથ આટલો જ લખાયો હશે. પણ... હવે એ સદ્‌ગતના નિમિત્તે યાત્રા કેમ છોડાય!* એમને અધૂરી યાત્રાના નિમિત્ત કેમ બનાવાય? *એમની જીવનયાત્રા પૂર્ણ થઈ. આપણે 99 યાત્રા પૂર્ણ કરીએ. એમને દોષમાં નથી પાડવા ને કોઈએ યાત્રા અધૂરી છોડવાની નથી. એમને યાદ કરીને યાત્રા પૂરી કરવાની છે."*

🏅 ને રડતા પરિવારે જેનું સૌભાગ્ય છત્ર આજે જ છીનવાયું છે, એની વાત સ્વીકારી લીધી. ને બીજા જ દિવસે બધાએ સાથે જ યાત્રા કરી ને દાદાના દરબારમાં સાત દીકરા ને એકની એક ગંગાસ્વરુપ બનેલી દીકરી સાથે ભક્તિની એવી ગંગા વહાવી કે, જેમાં હૃદયની અકથ્ય પીડા તણાઈ ગઈ. *આ દિકરી એટલે.. જેના નામની આજે'ય પાલીતાણાના શાશ્વતા ડુંગરે દાદાની 9 ટૂકની એક ટૂક... _"ઉજમફઈની ટૂંક."_ એ ઉજમ, એ જ સાત ભાઈની એકની એક બેન. ક્યારેક દાદાને ભેટવા જાઓ, તો અવશ્ય ઉજમફઈની ટૂંકે જઈ મનમાં રણઝણાવજો, "કસોટી ને કઠિનાઈના મુકાબલામાં વિજય વરનારી, હે સત્ત્વશાળી અબળા! ઉજમફઈને વંદન... વંદન... વંદન...!*

🏅 ક્યારેક અમદાવાદ જાઓ, તો ઝવેરીવાડની ઉજમફઈની ધર્મશાળાને એકવાર તો વંદન કરજો જ. *આ ઉજમફઈ એટલે જ.. અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીનો પરિવાર. ઔરંગઝેબ જેવો ક્રૂર, પણ.. જેને મામા કહી માનતો હતો. એમની જ પરંપરામાં આવેલી સત્ત્વમૂર્તિ ઉજમફઈ! એકવાર એને વંદન કરીને એનું સત્ત્વ પ્રાર્થજો.*


*तारों में अकेला चाँद जगमगाता है,*
*मुश्किलों में हमेशा इंसान डगमगाता है;*
*कांटो से घबराना मत, मेरे ए दोस्त,*
*क्योंकि कांटो में ही अकेला गुलाब मुस्कुराता है!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top