ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 91

-------------------------------------------------------
_વાંચો પરિવાર સાથે,_
_એક ખુમારીભરી અસલ કથા.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*જૈનો ઉપર લક્ષ્મીદેવીની કૃપા અનરાધાર વરસે છે. ને સરસ્વતી દેવીની'ય કૃપા અપરંપાર વરસે છે.*
_એનું કારણ શું.. ?_

આ પ્રશ્નના જવાબો ઘણા બધા છે. પણ.. એ બધામાં આ એક જવાબ લાજવાબ લાગ્યો. એ જવાબ છે..
*જૈનો પોતાના કુળદેવીને ખૂબ સાચવે છે. ખૂબ ને વારંવાર યાદ કરે છે.* જૈન કોઈપણ પ્રસંગ ઉજવે, એમાં એ કુળદેવીને અવશ્ય જુહારે. *પછી એ પૂજા હોય, અનુષ્ઠાન હોય, પ્રતિષ્ઠા હોય, સંઘયાત્રા હોય કે સંઘમાળા હોય કે ઉપધાન ઉજમણા ઉત્સવ કે શાંતિસ્નાત્ર હોય, સિદ્ધચક્ર પૂજન કે ભક્તામર પૂજન હોય કે પછી ભાગવતી દીક્ષા પ્રસંગ હોય.*

_પણ.. એ બધામાં છેલ્લે એ કુળદેવીને જુહારે._ *એટલે કે જીવદયાની ટીપ કરે જ કરે. આ જીવદયાના પ્રતાપે જૈન સંઘ આજે'ય ગૌરવભેર દેશમાં પ્રથમ પંક્તિમાં શોભી રહ્યો છે.* ને.. દેશની દરેક સ્થિતિ ને પરિસ્થિતિમાં એ પીઠબળ બનીને ઊભો છે. જૈનોની જીવદયાની ભાવના કેટલી ઉત્કૃષ્ટ છે.

_વાંચો, એક સત્યઘટનામાં.._

🎣 *શહેર આખું મધરાતના સમયે જંપીને સૂઈ ગયું હતું. પણ.. એક યુવાન કેમે'ય ઊંઘી નો'તો શકતો.* રહી-રહીને એ ઝબકીને જાગી જતો. વાત એમ હતી, *નગરની બહાર આવેલા તળાવમાં રોજેરોજ રાત્રે મિયાણાઓ આવે છે, ને.. હજારો માછલીઓને જાળ નાખી પકડીને લઈ જાય છે. આ યુવાનને એ તડફડતી માછલીઓ દેખાય. મોતની સામે ઝઝૂમીને નિર્જીવ થઈ જતી, મરી જતી માછલીઓ એને હચમચાવે છે.*

🎣 એના મિત્રોને, ગામના યુવાનોને એણે તૈયાર કરવા ખૂબ મહેનત કરી. પણ.. બધા જ મિયાણાનું નામ પડે ને થરથરે. ને કહી દે, *"રતિલાલ! તું'ય મરીશ, ને અમને'ય મારીશ. આ ખૂંખાર ને ક્રૂર મિયાણાઓ શસ્ત્રોથી સજ્જ થઈને જ આવે છે. ગામ આખાને ખબર છે. કેમ કોઈ નથી રોકતું? કારણ કે બધાને ખબર છે, આ ખતરનાક મિયાણાઓ આપણને ખતમ કરી નાખે એવા ભયંકર છે. રતિલાલ! તું'ય આ દુઃસાહસ ના કરતો.''*

🎣 પણ.. રાત પડતા રતિલાલનો માંહેલો છંછેડાયો. એણે રતિલાલને ઊંઘવા જ ન દીધો. *ને રતિલાલે એકલવીર બનીને ઘર છોડી દીધું, ને તળાવ તરફ પગ ઉપાડ્યા.* ભેંકાર જગા, ભેંકાર રાત, ભયંકર મિયાણાનો ભય, તે છતાં'ય બિલકુલ નિર્ભયતાથી એ તળાવ કિનારે પહોંચ્યા. *નિઃસ્તબ્ધ રાત્રિમાં એમના પગલાએ ખલેલ પહોંચાડી. ને મિયાણા Alert થઈ ગયા.* એમણે જોયું તો કોઈ એમની તરફ આવી રહ્યું છે.

🎣 બધા જ મિયાણાઓ ભેગા થઈ ગયા. ને ત્રાડ પાડીને કહ્યું, *"કોણ છે? કેમ આયો છે? પાછો હાલતો થા. નહિ તો ઠાર કરી દઈશું.''* પણ.. યુવાન રતિલાલ થરથરે એવો ને ડરે એવો નો'તો. *એણે પગ આગળ મૂક્યા. ને મિયાણાઓએ એને ઘેરી લીધો.* ને છાતીએ બંદૂક અડાડી દીધી. ને કહ્યું, *"પાછો જતો રહે. નહિ તો મારી નાખીશું.''* ને.. મિયાણાઓએ રતિલાલને પકડી લીધો ને બીજાએ ગોળી છોડવાની તૈયારી કરી. ત્યાં જ યુવાન કહે, *"ઊભા રહો.''*

🎣 ને.. ખીસ્સામાંથી એક કાગળ કાઢ્યો ને કહ્યું, *"એકવાર આ કાગળ વાંચી લો.''* ને Torchનો પ્રકાશ કર્યો. મિયાણાઓએ કાગળ વાંચ્યો. કાગળમાં લખ્યું હતું, *"હું રતિલાલ, મારી ઈચ્છાથી આત્મહત્યા કરું છું. મારા મૃત્યુ માટે કોઈને દોષિત ગણવા નહિ. ને કોઈને હેરાન કરવા નહિ.''* કાગળ વાંચતા જ બધા મિયાણાઓ સ્તબ્ધ બની ગયા. ચોંકી ગયા. આ અજબ ખોપડીને જોઈ સૌને અચરજ થયું.

🎣 યુવાન બોલ્યો, *"જુઓ, હવે તમે ચલાવો બંદૂક. તમને કોઈ પોલીસના લફરા'ય નહિ આવે. ને આરોપ પણ નહિ આવે. હું તો મરવા જ આવ્યો છું. देर मत करो।''* મિયાણાઓ કહે, *"અરે ભલા માણસ! પણ.. તારે મરવાની શું જરૂર પડી?''*

🎣 યુવાન કહે, *"જરુર તો કંઈ પડી નથી. પણ.. હું જીવતો બેઠો હોઉં, ને મારે તળાવે જો રોજના હજારો માછલા કોઈ મારે, તો મારે જીવીને શું કામ? જો સાચું કહું તો, હું રાતે ઊંઘી'ય નથી શકતો. મને તડફડતી માછલીઓ જ નજરે આવ્યા કરે. ને મને થાય, તારું જીવતર નકામું.''* મિયાણા બધા એક-બીજાનું મોઢુ જોવા લાગ્યા. ને એમના બધાના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. *પણ.. આકાશી અંધારામાં યુવાનને એ ક્યાંથી દેખાય.*

🎣 યુવાન બોલ્યો, *"ભાઈઓ! તમારું કામ તમે કરો. આ કાગળ તમને બચાવશે.''* ને.. યુવાને આંખ મિંચીને નવકાર મહામંત્ર ને પ્રભુસ્મરણ ચાલુ કર્યું. ત્યાં તો બધા મિયાણા કહે, *"ચાલ, તારું મન દુઃખાય, એ અમારું મન દુઃખાય. અમે જઈએ છીએ.''* ને.. જાળ સમેટી લીધી. ત્યાં જ વઢવાણનો આ યુવાન રતિલાલ બોલ્યો, *"ભાઈઓ! ઊભા રહો.''* બધા મિયાણાને *"ભાઈઓ''* શબ્દ ખૂબ ગમ્યો. બધા ઊભા રહી ગયા.

🎣 ને.. યુવાન રતિલાલ બોલ્યો, *"તમે એમને એમ જાઓ, તો મારું મન દુઃખાશે.''* ને.. રૂપિયો ગાડા જેવડો ગણાતો, તે સમયે રતિલાલે 500 રૂપિયા મિયાણાના હાથમાં મૂકી દીધા. *બધા મિયાણા એકબીજાનું મોઢુ જોવા લાગ્યા.* ને છેલ્લે રૂપિયા પાછા આપ્યા. ને કહ્યું, *"શેઠીયા! તમારા રૂપિયા કેમ લેવાય?''*

🎣 એ વખતે રતિલાલ કહે, *"ભાઈઓ! બીજા રૂપિયા જોઈએ, તો ગમે ત્યારે બજારમાં મારી પેઢી પર આવીને લઈ જજો. પણ.. આ હિંસક ધંધો છોડીને કોઈ બીજો ધંધો કરો, તમે સુખી થશો.''* ને.. ગજબ થયું. બધા જ મિયાણાઓએ જાળને નાખી દીધી. ને કહ્યું, *"શેઠીયા! આભાર ને ઉપકાર તમારો. આજથી ક્યારેય પણ માછીમારી નહિ કરીએ."* ને.. રતિલાલ કંઈ બોલે તે પહેલા મિયાણા પગે પડીને અંધારામાં ઓગળી ગયા.

_*કથા તો અહીં પૂરી કરીએ. પણ.. એ ઈતિહાસ સાચો જ છે કે, જિનાલયોની-તીર્થોની રક્ષા માટે પ્રાણના બલિદાન આપણા યુવાનોએ આપ્યા હતા. એક માછલી માટે જો આજે એક જૈન યુવાન સામી છાતીએ ગોળી ઝીલવા ઊભો રહે, તો એ વખતે એ બધુ બન્યું જ હશે નહિ, છે જ.*_

_*આવો, આપણા શાસન માટે, દેવ-ગુરુ ને ધર્મ માટે શિર નહિ, પણ.. સમય તો આપીએ. થોડોક ધર્મ જીવનમાં લાવીએ.*_

*वाकिफ कहाँ जमाना हमारी उड़ान से,*
*वो और थे, जो हार गए आसमान से!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top