Motivational Story 90
-------------------------------------------------------
_ગુરુ એટલે ગુરુ.._
_વાંચો, બનેલી એક અણધારી ઘટના..._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*પાપને પખાળે, જીવનને અજવાળે, સાચા માર્ગે વાળે... તે _"સદ્ગુરુ."_*
થોડુક વધુ..
ગંગા ને ગુરુ.. બંન્ને પાવન કરે. પણ.. ગંગા કરતા ગુરુ મહાન. *પાવન થવા ગંગાના કિનારે જવુ પડે, જ્યારે ગુરુ તો પાવન કરવા દ્વારે આવી ચડે!*
_*આવા જ એક અલૌકિક સદ્ગુરુ, જે પતિત થતા શિષ્યની વહારે ચડી એને વારે છે, ને કઈ રીતે ઉગારે છે, ને ફરી પાછો એને પાવન ઉતારે કઈ રીતે પહોંચાડે છે, એની ગરવી ને ગૌરવભરી સત્ય ઘટના.* કદાચ.. આ ઘટના વાંચતા એ સદ્ગુરુના વાત્સલ્યના માનસસરોવરમાં રાજહંસ બની ઝબોળાવાનું મન ના થાય, તો કહેજો._
_વાંચો.._
👣 *નખશિખ પવિત્ર 'આમરાજા'ના દરબારમાં નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી હતી.* રૂપરૂપના અંબાર ને અદ્ભૂત નૃત્યકલાના ભંડાર સમી ચંડાલ કન્યાઓના નૃત્ય પર આખો'ય દરબાર ગાંડો બન્યો હતો. *એની એક-એક અંગભંગી પર દરબારીઓ વાહ-વાહના પોકાર કરતા હતા.* રાજા 'આમ' પણ નૃત્યાંગનાના નૃત્ય પર મુગ્ધ બન્યો હતો. *પણ.. એ રૂપસામ્રાજ્ઞીના રૂપ પરથી રાજાની લોલુપ નજરો હટવાનું નામ નો'તી લેતી.*
👣 એનું દિલ ઝાલ્યુ ના રહ્યું. એણે સભામાં બિરાજેલા પોતાના ગુરુશ્રી બપ્પભટ્ટસૂરિ મ.ને કહ્યું, *"ગુરુદેવ! કસ્તૂરી કોલસા જેવી કાળી, મેલ ભર્યું એનું જન્મસ્થળ - નાભિ. છતાં.. લોકમાં સુગંધનું મેદાન મારી જાય છે. કાદવ જેવી, છતાં.. લોકો એને મોંઘા દામે ખરીદે ને Use કરે. કાદવમાં ઉગેલા કમળ સ્વીકાર્ય હોય. ગુરુદેવ! આ વિધાતાનો કરિશ્મા કે વાંક?''* સદ્ગુરુ બપ્પભટ્ટસૂરીશ્વરજી મ.સા.ની આંખો રાજાની આંખોનો બદલાવ પારખી ગઈ હતી.
👣 *નૃત્યકલા જોતા રાજાની આંખમાં વાસનાના કણા એમની નજરોએ જોઈ લીધા.* મધૂરા નૃત્યે રાજસભા પૂરી થઈ. દરબાર બરખાસ્ત થયો. *સમર્થ જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિ મ.નું મન વ્યથિત હતું,* ને થોડું ચિંતિત પણ. કેમકે, *એમણે રાજાની આંખમાં ગંગાજળના બદલે ગંદાજળ જોઈ લીધા હતા.*
👣 એમનું મન વારેવારે વિચારોમાં ખોવાઈ જતું, અટવાઈ જતું. ને કહેતું, *'આ સિંહ ખાબોચીયે ગંદાજળ પીવા જશે. ને ઘાસના પૂળાથી પેટ ભરવા જશે. સિંહ મરે તો'ય ઘાસ ન ખાય. ને આ આમ આજે ઉકરડે જવાનો મનસુબો કરી બેઠો છે. કેમ વારવો ને કેમ એને આ પાપથી ઉગારવો?'* મહાન જૈનાચાર્યની વિચારધારા તૂટી, કેમકે *રાજ્યના મંત્રી વંદન કરવા આવ્યા હતા.*
👣 ગુરુવંદન કરી મહામંત્રીએ ચારેકોર નજર નાખીને ખાતરી કરી, કોઈ નથી ને. ગુરુ સમીપ ગુરુ રજા-અનુજ્ઞા લઈને બેઠા, ને કહ્યું, *"ગુરુદેવ! રાજહંસ માનસસરોવર છોડી મસાણઘાટે જવા ને જલ પીવા ઉતાવળો થયો છે. એને રોકવો કોઈના હાથમાં નથી. એને રોકી શકો, તો માત્ર તમે જ તમે. બાકી આજે આ રાજવંશ અભડાવાનો નક્કી.''* મહાન પ્રભાવક આ.ભ.શ્રી બપ્પભટ્ટસૂરિ મ. કહે, *"મંત્રીશ્વર! જે કહેવું હોય તે સ્પષ્ટ કહો.''*
👣 ને મંત્રીશ્વર બોલ્યા, *"ગુરુદેવ! આજે રાજદરબારમાં નાચતી ચંડાળ કન્યાઓના રૂપમાં પાગલ બની રાજા આજે એમને મળવા રાત્રે જવાના છે. મિલનસ્થળ નગર બહારનો નમણો, સોહામણો રાજમહેલ નક્કી કર્યો છે.* ને રાતે કાગડીની સાથે રમવા માનસરોવરનો રાજહંસ પાંખો ફફડાવતો કચરાપેટીએ જઈ ઉતરશે. *અમારી આશાના બધા મિનારા તૂટી ગયા છે. હવે એક જ શ્રદ્ધાનો સ્તૂપ અડીખમ ઊભો છે કે, આપ.. આપના શિષ્યને.. ભક્તને રોકી શકો, તો છે. અને આપ સમર્થ છો.''*
👣 સમર્થ સદ્ગુરુ એટલું જ બોલ્યા, *"આમ.. આમ નહિ કરે. સિંહ તરણામાં મોઢું નહિ નાખે. રાજહંસ ઉકરડો નહિ ચૂંથે.''* થોડીક અન્ય વાતો કરી મંત્રીએ વિશ્વાસ સાથે સદ્ગુરુ પાસે રજા માંગી.
-------------------------------------------------------
_એક મિનિટ,_
_*દોષ જોઈ દુર્ભાવ ન કરે તે ગુરુ છે. ને.. દોષને દિલી આશિષથી દૂર કરવા ઉપાય કરે તે ગુરુ છે. ને.. માં બનીને દિકરાને સાફ કરે.. માફ કરે તે ગુરુ છે, ગુરુમાં છે!*_
-------------------------------------------------------
👣 સમી સાંજનો સમય થયો ને સદ્ગુરુ જે મિલનસ્થળ હતું ત્યાં પધાર્યા. *ને વાસનાના ઝેરને ઉતારનારા ગારુડી મંત્રો સમા શ્લોકો લખાવ્યા. ને વળતી પળે પોતાના સ્થળે વળી આવ્યા.* સાંજની ઝાલરો વાગી ને મંદિરો માંગલિક થયા. ને અવનીએ અંધેરપછેડી ઓઢવાની શરુઆત કરી. *રાજા આમની આંખો રંગીન સપના જોતી હતી. ને મહેલની નીચે રાજા ઉતર્યા. ને રાજાનો સોનેરી-રુપેરી રથ મહેલ સમીપે રોકાયો.*
👣 ને.. ચંડાલ કન્યાઓએ રાજાને પ્રેમાલાપ છેડી આમંત્ર્યો. રાજા મુગ્ધતાથી એ તરફ ચાલ્યો. *પણ.. મહેલમાં પગ મૂક્યો ને સામે મરોડદાર અક્ષરોમાં લખેલા માર્મિક શ્લોક નજરે પડ્યા. ને રાજા 'આમ' ઘડીક અટકી ગયો.* એટલા સરસ પ્રાસ-અનુપ્રાસ ને માર્મિક અર્થો ને વ્યંગોથી ભરેલા અને અર્થથી સમૃદ્ધ શ્લોકોએ રાજાને ઓળઘોળ કરી દીધો. *'આમ' રાજા આમ મૂળ તો કવિ જીવ, હૃદયજીવી જીવ, લાગણીભીનો જીવ. એ શ્લોકમાં લોકને ભૂલી ગયો ,તો લોલૂપતા ક્યાંથી ટકે કે રહી શકે?*
👣 એણે પહેલો શ્લોક વાંચ્યો. જેનો અર્થ હતો, *"ઓ જળ! તું સ્વચ્છ છે. શીતળ છે. તું જગતને ચોખ્ખુ કરનાર છે. તું જ જો મેલું થશે, તો સ્વચ્છ થવા જગત ક્યાં જશે?* તું તાપ ઉત્તાપ ને ગરમી હરી શાંત કરે છે. તું જ જો ગરમ થશે, તો શીતલતા માટે જગત ક્યાં જશે? *જળમાંથી જ્વાળા નીકળશે, તો આગના ભડકા કોણ બુઝાવશે? અમે કોની પાસે જઈને ઠંડકની યાચના કરીશું?"*
👣 આમ રાજાએ ફરી શ્લોક વાંચ્યો. એને કલ્પના ને વ્યંગ ખૂબ ગમ્યા. *પણ.. ફરી વાંચ્યો ને એને ઝટકો લાગ્યો. મારા મહેલમાં કોઈ દિવસ નહિ, ને આજે આ શ્લોક શું મારા માટે તો નહિ લખાયેલા હોય?* મારા મનને ચોટ લાગે એવા સચોટ આ શ્લોક કોણે લખ્યા હશે?
👣 ત્યાં બીજો શ્લોક, *"ઓ વનના વનરાજા! તારું સાર્મથ્ય.. તારું સત્ત્વ.. તારી શક્તિ અજોડ છે. તને ભૂખ લાગી એટલે કઈ તું વનરાજ થઈ ઘાસ મોઢે લે? એ તો તારા સિંહત્વને લાંછન છે.* તારી એક ગર્જનાએ આખેઆખું જંગલ ખળભળે. *પણ.. ધ્યાન રાખજે, આ ઘાસ ચાખ્યા પછી તારી ગર્જના નિર્બળ ને નકામી બની જશે. તારાથી કોણ ડરશે? તારી અણનમ આણને કોણ માનશે? તારું સાર્મથ્ય ને તારી પવિત્રતા ને લોકોમાં તારી શ્રદ્ધેયતા ને પૂજ્યતા નજરે લાવ."*
👣 "આવતીકાલે તું લોકોની નજરમાંથી ઉતરી જઈશ. *તે સિંહણના દૂધ પીધા છે, ઘેટી-બકરીના નહિ. સિંહણના દૂધને તું લજવીશ, ઓ સિંહ? પાછો વળ, પાછો ફર. ઓ સિંહ! હજુ અભડાયો નથી? પાછો ફર, પાછો ફર. ઓ સત્ત્વમૂર્તિ! પાછો ફર, પાછો ફર."* ને શ્લોકો પૂરા થતા થતા તો રાજાના પગ થંભી ગયા. એ હચમચી ગયો, એ અંદરથી હલી ગયો, *"હું સિંહ છું, મારી કેશરાઓ ખેંચીને જગાડવાની તાકાત કોની?"*
👣 *"હા.. એ તાકાત હોય તો માત્ર મારા ગુરુદેવ શ્રી બપ્પભટ્ટસૂરિ મ.ની. આ શ્લોકના અક્ષરે-અક્ષરે એમના આત્માની વેદના જણાય છે.* શબ્દે-શબ્દે વ્યથા ટપકે છે. ને સાથે એમાં ભળેલી છે, મારે માટેની લાગણી, મારા માટેનું વાત્સલ્ય! *મારા ગુરુદેવ.. હું કસ્તૂરીની જે કવિતા બોલ્યો, એનાથી મારા મનની પાપી દુનિયા એમણે માપી લીધી."*
👣 ને.. ત્યાં જ મહેલના ઝરુખેથી પ્રેમનો ટહુકો થયો. *પણ.. આમરાજા જાગી ગયો. એણે બીજી જ પળે મોઢુ ફેરવ્યું, રથ ફેરવ્યો, ને જિંદગીને ગંગાજળી રાખી એ રાજમહેલે આવી ગયો.* પણ.. નિંદ વેરણ બની. એના અંગે-અંગે વિંછીના ચટકા લાગ્યા. *રાત આખી એણે રડતા-રડતા પૂરી કરી. ને સવારે અગ્નિપ્રવેશનો નિર્ણય કર્યો.*
👣 મંત્રીઓ, રાણીઓ, નગરજનો ખૂબ રડીને વિનવે, તો'ય એ અટક્યો નહિ. *ને ભડભડતી ચિતામાં પ્રવેશ કરવા એણે પગ ઉપાડ્યો ને સ્હેજ અટકી બે હાથ જોડ્યા,* ને આંખમાંથી અશ્રુઓનો ધોધ છૂટયો, *"ગુરુદેવ! તમારા આશીર્વાદ લેવા કઈ રીતે આવું? મને ક્ષમા કરશો ને?"* આંખ ખોલીને અગ્નિમાં પગ મૂકે ત્યાં જ, *"ગુરુદેવ પધાર્યા"* નો ગગનભેદી નાદ થયો.
👣 *'આમરાજા'એ પોતાના ગુરુને જોયા, એ દોડીને પગમાં પડી ગયો.* ધૂળમાં આળોટી એણે ગુરુના ચરણને આંસુથી ભીના કરી દીધા. ને બોલ્યો, *"ગુરુદેવ! મને માફ કરો! હું આપની નજરમાંથી ઉતરી ગયો.''* ને શબ્દો મોઢામાં સમાઈ ગયા. ગુરુદેવ બોલ્યા, *''તું ઉતરી નહિ, તરી ગયો. ચાલ! આ કાયરોના મોત ના શોભે. પ્રાયશ્ચિત આવા ના હોય.''* ને હાથ પકડી આ.ભ.બપ્પભટ્ટસૂરિ મ.જે.. સદ્ગુરુએ.. એને ફરીથી માર્ગે જોડી દીધો.
_*કથા તો પૂરી કરીએ. પણ.. સદ્ગુરુ ગંગા કરતા મહાન છે. જે દ્વારે આવીને.. સામે આવીને.. સામે ચાલીને.. શિષ્યનો ઉદ્ધાર કરે, ને ભવપાર ઉતારે. આજે ગુરુપૂર્ણિમા કહેવાય છે. આવો, સદ્ગુરુને પૂર્ણ સમર્પિત બની અધૂરા ને અપૂર્ણ આપણે પૂર્ણ બનીએ.*_
_ફરીથી,_
_*ઘર વગરનો બેઘર કહેવાય,*_
_*ગુરુ વગરનો નગુરો કહેવાય!*_
_ચાલો.. ક્યાંક આપણી શ્રદ્ધાને.._
_આપણા દિલને.. આપણે સ્થાપિત કરીએ._
*गुरु कुंभार शिष्य घट है, घडी घडी काढ़े खोड़,*
*भीतर हाथ संवार दे, बाहिर मारे चोट!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો