Motivational Story 89
-------------------------------------------------------
_પ્રભુ વીરના શાસનમાં બનેલી એક અસાધારણ ઘટના, હૈયું ગદગદ બની જશે, વાંચો સપરિવાર.._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*ફૂલ અલ્પજીવી હોય છે, પણ.. અત્તર રૂપે અમર બની સુગંધ વેરતુ-જીવતું હોય છે.*
જૂનું થતુ ઘી ઔષધરૂપે અસરકારક બનતુ જતુ હોય છે.
*કાનથી સાંભળેલા ક્ષણિક શબ્દો ને આંખથી અલપઝલપ જોયેલ દૃશ્યો ક્યારેક જીવનપર્યંત Evergreen રહેતા હોય છે.*
ને.. પડી પટોળે ભાત, 'ફાટે પણ ફીટે નહી' એ રંગ ક્યારે'ય ઓસરતા કે ભૂંસાતા નથી.
*આવી જ એક 800 વર્ષ પહેલા આપણા જ દેશમાં ને ગુજરાતમાં જ, ખંભાતમાં જ બનેલી, નહિ ભૂંસાયેલી ને નહિ ભૂલાયેલી એક સત્યઘટના વાંચીને તમે ભાવુક બન્યા વગર નહિ જ રહો.*
_વાંચો.._
🦚 *હતા એ કોટ્યાધિપતિ શ્રેષ્ઠી. આખી'ય નગરીમાં એમના ભારે માન-પાન.* એમનું વચન કોઈ ન ઉથાપે એટલી એમની મર્યાદા. *એક દિવસ ઘરે પારણું બંધાયું. રૂપરૂપના અંબાર જેવી ને લક્ષ્મીના અવતાર જેવી બાળકીનો જન્મ થયો.* આખુ'ય ઘર દિકરીના પગલે પાગલ બન્યુ. દિકરીને જોઈને જ, એની નાજુક નમણી કાયાને જોઈ બધાને મોઢે એકવાર તો આવી જતું, *"લક્ષ્મીદેવી પધાર્યા છે."*
🦚 દિકરીના નામ પાડવાની વેળાએ બધાએ ભેળા થઈ એક જ નામ પસંદ કર્યું, *'પદ્મલક્ષ્મી'.* કમળ પર બેઠેલી લક્ષ્મી જ ન હોય, એવી એની શોભા હતી. ને દિવસે-દિવસે શોભા વધતી જ ગઈ. *ઝાઝેરા લાડકોડ સાથે જમીનને અડ્યા વગર એ મોટી થતી ગઈ.* એક દિવસ દાદા દિકરીને લઈ પ્રભુપૂજા માટે જિનાલયે આવ્યા. *પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી.*
🦚 દાદા ને દિકરી ગુરુવંદન માટે ઉપાશ્રયમાં આવ્યા. *7 વર્ષની પતંગિયા જેવી ઉડાઉડ કરતી દિકરીને દાદાએ ગુરુવંદન કરાવ્યા.* ને કહ્યું, *"બેટા! ગુરુમહારાજ છે. એમનું નામ છે, ધર્મરુચિ મ.સા.''* મહારાજ સાહેબે દિકરી સામે જોયું, ને જોતા જ રહ્યા. એ બીજી દુનિયામાં ખોવાઈ ગયા. *શ્રેષ્ઠીને ખબર હતી, પૂજ્ય ધર્મરુચિ મ.સા.નું સામુદ્રિક જ્ઞાન અવ્વલ કોટિનું છે.*
🦚 એટલે એમણે સહજ પૂછ્યું, *"ગુરુદેવ! મારી પૌત્રી છે. 7 વર્ષની છે.''* પણ.. મુનિશ્રી તો દિકરીનું લલાટ ને લક્ષણો જોતા-જોતા આશ્ચર્યમાં ડૂબી ગયા. શ્રેષ્ઠીએ ફરી કહ્યું, *"ગુરુદેવ! કેમ લાગે છે? એના લક્ષણો શું બોલે છે?''* એ વખતે ખંભાતના ઉપાશ્રયમાં વિહાર ન કરી શકવાના કારણે સ્થિરવાસ રહેલા પ્રખર લક્ષણ શાસ્ત્રવેત્તા, વૈરાગી ને નિઃસ્પૃહિ મ.સા. બોલ્યા, *"શ્રેષ્ઠી! જે લક્ષણો શાસ્ત્રોમાં વાંચ્યા હતા, એ પહેલીવાર જોયા. મારી Lifeમાં પહેલી જ વાર આવી સુલક્ષણી કન્યા જોઈ છે. શ્રેષ્ઠી! આ દિકરી જિનશાસનની પ્રભાવિકા બનશે. આ પુણ્યવતીને તમે શાસનને સમર્પણ કરી દો.''*
🦚 શ્રેષ્ઠી પોતે પણ ઊંચા ભાવોમાં રમતા હતા. ને.. *એમને ધર્મરુચિ મુનિ પર વિશ્વાસ હતો. કેમકે, અંતર્મુખ અણગાર હતા. નિઃસ્પૃહ હતા. આટલા વરસોમાં વારંવાર વિનંતી કરવા છતાં કોઈ લાભ એમણે આપ્યો નહોતો.* એમની મસ્તી અંતર્મુખ આત્માની અજબ હતી.
🦚 આવા મહાત્માએ જ્યારે શ્રેષ્ઠીને કહ્યું, ત્યારે શ્રેષ્ઠીએ ઘેર જઈને પરિવારને ભેગો કર્યો ને કહ્યું, *"વયોવૃદ્ધ, સ્થવિર ને સ્થિરવાસ રહેલા ધર્મરુચિ મ.સા.ને આજે પદ્મલક્ષ્મી દિકરીને લઈ વંદન કરવા ગયો.* મહાત્માએ દિકરીને જોઈને કહ્યું, *'આ રતન છે. એ મહાન શાસનપ્રભાવિકા થશે. એને શાસનને સોંપો. પરિવાર તરી જશે ને મહાસાધ્વી બની અનેકને તારી દેશે.'* આવા મહાન ગુરુભગવંત જે વાત કરે, તેની ઉપર આપણે વિચાર કરવો જ જોઈએ. *તમે બધા વિચારો.''*
🦚 પરિવારે ખૂબ વિચાર્યું. *ને પછી પરિવારે દિકરીને ચકાસી-તપાસીને પછી તૈયાર થતા ખૂબ જ ભવ્યાતિભવ્ય ઠાઠમાઠ ને મહામહોત્સવ સાથે થોડા સમયમાં દીક્ષા અપાવી.* 8 વર્ષની વયે નાનકડા સાધ્વીજીની પીઢતા પાલની ને પ્રજ્ઞા એટલી ઉચ્ચ કોટિને આંબવા લાગી કે, *તે વખતનો સમસ્ત સંઘ ને શ્રમણસંઘ બાલ સાધ્વીજીમાં ચંદનબાળા ને મૃગાવતીનું રૂપ જોવા લાગ્યો.* ને.. ભાવીની મહાન પ્રભાવિકા સાધ્વીજીની દૃઢ ધારણા કરી લીધી.
🦚 1 વર્ષ પૂર્ણ થયું. ને સાધ્વીજી મ.એ જે Mile Stone સર કર્યા, એ સામાન્ય વ્યક્તિ માટે કલ્પના બહાર હતા. *ને જ્યારે એમનો 3 વર્ષનો સંયમ પર્યાય પૂર્ણ થયો, ત્યારે તો અજબ ઈતિહાસ રચાયો. પૂજ્ય આચાર્યભગવંતે એમને _"પ્રવર્તિની"_ પદે આરૂઢ કર્યા.* સકલ સંઘે આનંદોલ્લાસ સાથે એમના વધામણાં કર્યા.
🦚 _*ને.. આપણા આશ્ચર્યની અવધિ તો ત્યારે ન રહે, જ્યારે પ્રવર્તિની પદથી અલંકૃત કર્યા ત્યારે એમના અંતેવાસી સાધ્વીજીઓની સંખ્યા માત્ર 700 હતી!*_ 11 વર્ષની ઉંમર ને 3 વર્ષનો દીક્ષા પર્યાય, ને આવી ઉત્કૃષ્ટ પુણ્યાઈ! ઈતિહાસ લખે છે, *ત્યારપછી 4 વર્ષ વીત્યા ને એમને ગુરુપરંપરાએ _"મહત્તરા પદ"_ સર્વોચ્ચ પદે અભિષેક કર્યો, ત્યારે સમગ્ર જૈન સંઘ એમની પ્રમાણિકતા જોઈ ભાવુકતાની દુનિયામાં ડૂબી ગયો.*
🦚 એમનું જ્ઞાન, એમની શક્તિ, એમનું ઉચ્ચ કક્ષાનું સંયમ, ને પ્રકૃષ્ટ પુણ્યાઈ, ને પાત્રતાએ.. *ગુરુકૃપાએ એમની પાસે કન્યાઓના-બહેનોના વૃંદોને વૃંદો આવતા. ને ખૂબ મોટા સમૂહમાં એક સાથે દીક્ષાઓ થતી. એમનો દીક્ષાનો 20 વર્ષનો પર્યાય થયો.* ચારે બાજુ જિનશાસનના ડંકા વગાડતા આ ગુરુકૃપાપાત્ર યુવાન સાધ્વીજી મ., *એક દિવસ નિજાનંદના નંદનવનમાં મહાલતા ને શ્રામણ્યના સચ્ચિદાનંદી માનસરોવરની રાજહંસીનો મધ્યાહ્ને સૂર્યાસ્ત થઈ ગયો. સાવ અચાનક.. સાવ સહજ.. એમણે સમાધિ લઈ લીધી.* એટલે કે સમાધિમૃત્યુને વર્યા.
🦚 આખા'ય સંઘમાં હાહાકાર ને અશ્રુધાર વહેતી રહી. *માત્ર 28 વર્ષની ઉગતી વયમાં એમણે પડાવ સંકેલી લીધો. વિ.સં. 1268થી શરુ થયેલી આ ગંગા વિ.સં. 1296માં લુપ્ત થઈ ગઈ.* પણ.. એમનાથી ભાવિત ને પ્રભાવિત થયેલા સંઘોના ભક્તોએ વ્યથિત કરી દેતી એમની યાદમાં ઘણું બધુ કર્યું. પણ.. તો'ય એમને સંતોષ ન થયો.
🦚 એમનું ઘાયલ દિલ કરાર નો'તુ પામતું. ને.. બધાએ ભેગા મળી એક નિર્ણય લીધો, ને.. *સાધ્વીશ્રી પદ્મલક્ષ્મીશ્રીજીની નાજુક-નમણી શ્વેત આરસની મૂર્તિ ઘડાવીને નિર્માણ કરી. હા.. આજે'ય એ ભગવતી ગંગાના જેણે દર્શન કરવા હોય તેણે ચમત્કારી શ્રી માતર તીર્થ (ખંભાત પાસે)ની ચૈત્યપરિપાટી કરવી.* એ સાધ્વીજી મ.ની મસ્ત મૂર્તિ જિનાલય પરિસરે બિરાજે છે. 1998ની સાલ પ્રતિષ્ઠાની લખેલી છે. અમે'ય વારંવાર દર્શન કર્યા છે.
_*કથા તો પૂરી કરીએ. પણ.. જૈન સંઘની શ્રમણી પરંપરાની આવી તો કંઈકેટલી જ્યોતિશિખાઓ આપણી આસપાસ-ચોપાસ શ્વસે છે. આપણે એમને ઓળખીએ.. અનુભવીએ.. ને નિર્ણય કરીએ, કોઈ જ્યોતિ આપણા ઘરે આવી હોય, તો આપણે એને માટે દિવાલ નહિ.. પગથિયું બનીએ.*_
_*એક દીક્ષાર્થીને દીક્ષાનો અંતરાય ગણધર હત્યા જેવા કર્મનો બંધ - પાપોનો બંધ કરાવે એવુ લખ્યું છે. ધન્ય છે એ સાધ્વીજીને! ધન્ય તો છે.. એને આઠ વર્ષે દીક્ષા આપનારા એના માતા-પિતા.. પરિવારને! અને એમની ગરવી ગુરુપરંપરાને!*_
*આઠ વર્ષની બાલ વયમાં સંયમ વેશને ધારતા,*
*બાર વર્ષના સંયમમહી શત શત શિષ્યાઓ થતા;*
*આર્યા શ્રી પદ્માવતી નામે માતર તીર્થે શોભતા,*
*અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના!*
_(આ.શ્રી ભાગ્યયશસૂરિ કૃત શ્રમણી વંદનામાંથી સાભાર)_
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shashnam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો