Motivational Story 95
-------------------------------------------------------
_વાંચો, વાંચીને ગદગદ થઇ જવાય તેવી વર્ષો પહેલા બનેલી એક અવિચારણીય ઘટના..._
_પરિવાર સામે જ વાંચજો.._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*જમીનમાં જો રસકસ હોય, તો ભલે નાખનારો નીરસ હોય તો'ય ધરતી-જમીન-ખેતર સુંડલો વાવનારને ગાડા ભરીને આપે જ છે.* કોઠી ભરીને વાવો ને કોઠાર ભરીને લઈ જાઓ. *રે.. ક્રોધમાં આવી અજાણતા'ય ગોટલો ફેંકી દેનારાને આંગણે ધરતી આખો આંબો ઉગાડી દે છે!*
*ધરતી જો આટલુ બધુ દે, તો જગધણીને દીધેલુ શું દે? રે.. શું ન દે? એ પૂછો. એથી આગળ, જગધણી તો ન દીધુ હોય તો'ય બેડો પાર કરી દે, ફકત 'ભાવે ભાવના ભાવીએ'થી.. એમાં'ય જો ભાવ હોય તો.. જેટલી ભાવની વૃદ્ધિ એટલી ફળની વૃદ્ધિ.*
_નિરંજન, નિરાકાર, વીતરાગ પરમાત્માને કરેલુ ભાવસભર સમર્પણ શું કરે છે, એની એક પ્રાચીન, પણ.. અર્વાચીનયુગે પણ એટલી જ સક્ષમ સંવેદના જગાડતી સત્યઘટના._
💎 *શાશ્વત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના જિર્ણોદ્ધારને માટે બાહડ મંત્રીએ બધા જ શ્રેષ્ઠીઓને નિમંત્ર્યા છે.* ને તીર્થભૂમિમાં મોટા-મોટા તંબુઓ તણાયા છે. ને રાવટીઓની નગરી ઊભી થઈ છે. *ને.. બાહડ મંત્રીએ તીર્થાધિરાજના જિર્ણોદ્ધારની આવશ્યકતા અને Outline આપી.* ને.. જાણે દરિયો હેલે ચઢ્યો. *એક સાથે નામોનો અખંડ પ્રવાહ ફૂટ્યો. લાખ્ખો-લાખ્ખોના દાન Declare થતા ગયા.*
💎 એ વખતે એક ચીંથરેહાલ વણિક કુતૂહલથી જોવા આવ્યો. *બધા શેઠીયાઓ ઉલટભેર જ્યારે ટીપ લખાવી રહ્યા હતા, ત્યારે આ ચીંથરેહાલ વણિકનું મન ભરાઈ ગયું.* એની આંખમાં આંસુડા ઉભરાણા. *એણે પોતાની ગાંઠે બાંધેલા 7 દ્રમ (પૈસા) ગણ્યા.* એને થયું, *"જ્યાં કરોડનો હિસાબ નહિ, ત્યાં પાઈની તો વાત ક્યાં? આ લાખો રૂપિયા લખાવનારા શ્રેષ્ઠીઓની વસ્તીમાં મારા જેવો પાઈ લખાવવા જાય, તો હીરા-મોતીના દાન દેવાતા હોય ત્યાં બે ચોખાના દાણા આપવા જેવું થશે."*
💎 એ ચૂપ રહ્યો. પણ.. એની આંખો ચૂપ ન રહી. એને થયું, *"ખરાબ લાગશે, તો ભલે લાગે. પણ.. હું 7 દ્રમ આપું."* ત્યાં જ એને એની પત્ની યાદ આવી, એ અટક્યો. *જો દ્રમ લીધા વગર જઈશ, તો એ મારો દમ કાઢી નાખશે.* બીજી બાજુ દાદાના તીર્થનો જિર્ણોદ્ધાર ને આવો લાભ ક્યાં મળે?, એ વિચારોમાં અટવાયેલો ક્યાંય સુધી ઊભો રહ્યો.
💎 ત્યાં જ ચોકીદાર આવ્યો ને સીધો જ ધક્કો માર્યો ને કહ્યું, *"चल यहाँ से भिखारी। यहाँ क्यों आया है? डंडा खाना हो, तो दोबारा आना। चल भाग।''* ને.. એણે દંડો ઉપાડ્યો. *ભીમો ત્યાંથી ચાલવા માંડ્યો. ત્યાં જ બાહડ મંત્રીની અમીર નજર આ ગરીબ માણસ પર પડી.* મંત્રીશ્વરને એની આંખોમાં ભાવુક્તા દેખાઈ.
-------------------------------------------------------
_એક મિનિટ_
_*ઘણા માણસો દૌલતથી અમીર હોય છે, દિલથી નહિ. એ લોકોને ગરીબ સગાઓ માટે ને ગરીબ માણસો માટે નેહ નહિ, નફરત હોય છે. રે.. જે Buildingમાં રહેતો હોય, એના વોચમેનોને'ય એ તીખી નજરે જુએ, તુચ્છ સમજે, ને દબાવતો જ રહે. આ માણસ તકદીરથી અમીર છે, બાકી.. તાસીરથી તો ગરીબ જ છે, કંગાલ છે.*_
-------------------------------------------------------
💎 કથા - બાહડ મંત્રીએ આ દૃશ્ય જોયું. એમને દુઃખ થયું. *એમણે તુરંત માણસ મોકલી પેલા ચીંથરેહાલ વણિકને બોલાવ્યો. Watchman પાછળ દોડ્યો. ભીમો સમજ્યો આ દંડો મારવા આવ્યો.* પણ.. મનથી હતાશ.. ને લાભ ન લઈ શકવાથી ઉદાસ ભીમો ઊભો રહી ગયો. પેલો Watchman કહે, *"चलो! आपको मंत्रीश्वरजी बुलाते है।''* 'चल भाग' કહેનારો.. 'आपको मंत्रीश्वरजी बुलाते है' શબ્દ પર આવી ગયો. કેમકે, મંત્રીશ્વરે એને માન આપ્યું છે, ને બોલાવ્યો છે માટે.
-------------------------------------------------------
_એક મિનિટ,_
_*ઘરમાં મમ્મીને, પત્નીને, પતિને, વડીલને માન આપો, તો ઘરના નોકરો'ય એમનું માન જાળવશે. બીજાની સામે કોઈને ઉતારી પાડતા સો વાર વિચારજો.*_
-------------------------------------------------------
💎 કથા - *ભીમો માની ન શક્યો કે મંત્રીશ્વર મને બોલાવે?!* Watchman લઈને ગયો મંત્રીશ્વર પાસે. બાહડ મંત્રીએ એને પ્રેમભરી નજરે આવકાર્યો ને કહ્યું, *"ભાઈ! તું કોણ છે? તું ક્યારનો'ય ઊભો-ઊભો અમને બધાને જોતો હતો. મને લાગ્યું, તારે કંઈક કહેવું છે. જો તારે કંઈ પણ કહેવું કે પૂછવું હોય તો બોલ.''* ને.. તે વખતે ભીમો વણિક આભો બની બાહડ મંત્રીને જોઈ રહ્યો. એ કિંકર્તવ્યમૂઢ બની ગયો. એના આશ્ચર્ય ને આનંદ નિરવધિ બની ગયા.
💎 એણે હિંમત ભેગી કરીને કહ્યું, *"મંત્રીશ્વરજી! મારું નામ ભીમો છે. તમે આટલો મોટો તીર્થોદ્ધાર કરાવો છો, લાખોના દાન દેવાઈ રહ્યા છે, મારી પાસે તો જીવનમૂડી છે માત્ર 7 દ્રમની! મારે એ 7 દ્રમશ્રી શત્રુંજય જિર્ણોદ્ધારમાં લાભ લેવા માટે દેવા છે. પણ.. દરિયા ઉછળતા હોય, ત્યાં ટીપા શું કામના!''* મંત્રીશ્વર કહે, *"ભીમા! દરિયો ટીપાથી જ બન્યો છે. બોલ! તારો ધંધો શું?''*
💎 *"સાહેબ! મારો ધંધો છે, હું ઘી વેચું છું. હું કુલડીમાં ઘી ભરી વેચુ છું. માટે મને બધા ભીમો કુલડીયો કહે છે.''* મંત્રીશ્વર કહે, *"ભીમા! તારી જીવનમૂડી 7 દ્રમ છે, ને તું સાતે-સાત દ્રમ આપી દે છે?''* ભીમો કુલડીયો કહે, *"સાહેબ! ક્યાં ગજરાજ જેવા તમે બધા, ને ક્યાં મચ્છર જેવો હું! મારા 7 દ્રમ તમે લો, તો હું મારી જિંદગીને ધન્ય માનીશ.''* ને.. મંત્રીશ્વર બોલ્યા, *"ભીમા કુલડીયાજી! તમારું દાન તીર્થોદ્ધારને બળ પૂરું પાડશે. તમે'ય તીર્થોદ્ધારના Partner!''*
💎 ને.. ભીમા કુલડીયાએ 7 દ્રમ દીધા, ને એ રડી પડ્યો.
-------------------------------------------------------
_એક મિનિટ,_
_*એક શ્રીમંતનો વ્યવહાર ક્યારેક કો'ક સામાન્ય માણસ માટે તહેવાર બની જતો હોય છે, જીવનભરનો યાદગાર અવસર બની જતો હોય છે. તમે પૂજાનો ચડાવો લીધો હોય ને કોઈ દીક્ષાર્થીને કે તપસીને, કોઈ સામાન્ય શ્રાવકને બિલ્લો આપ્યો હોય તો, કદાચ.. તમે તો પૂજા કરીને ભૂલી જશો, પણ.. એ માણસ જિંદગી સુધી નહિ જ ભૂલે.*_
_*આ ઈશારાઓ કામ લાગે તો અપનાવી ધન્ય બનજો..*_
-------------------------------------------------------
💎 કથા - *બાહડ મંત્રીએ ભીમા કુલડીયાનું બધા વચ્ચે બહુમાન 500 દ્રમ ને રેશમી વસ્ત્ર ઓઢાડી કર્યું. પણ.. ભીમા કુલડીયાએ સવિનય ન લીધુ. ત્યાં જ મંત્રીશ્વરે દાનસૂચિ વાંચી. એમાં સૌથી પહેલું નામ ભીમા કુલડીયાનું વાંચ્યું.* બધા અચંબામાં પડી ગયા, 7 દ્રમમાં એણે શું આપ્યું? અહીં તો બધાએ હજારો-લાખો દ્રમ આપ્યા છે.
💎 ત્યાં જ મંત્રીશ્વર બોલ્યા, *"શ્રેષ્ઠીઓ! મેં-તમે જે રકમ આપી એમાં મૂડીના Percentage કેટલા? આપણે મૂડીના દરિયામાંથી થોડાક ટીપા આપ્યા. આ ભીમા કુલડીયાએ મૂડીનો દરિયો આખો'ય તીર્થોદ્ધારમાં અર્પણ કર્યો!* આપણે દીધાના Percentage ટીપા જેટલા, જ્યારે આના Percentage Totally! *હવે તમે જ કહો, ટીપા દેનારનું નામ પહેલું લખુ કે Totally દેનારનું નામ પહેલુ લખું?''*
💎 બધા જ શ્રેષ્ઠીઓએ મંત્રીશ્વરને નત મસ્તકે ને હસતે ચહેરે વધાવ્યા. *આ બાજુ ભીમો કુલડીયો માંડવાની બહાર આવ્યો. ને એની વિચારધારા બદલાઈ. એને પત્નીનો ઝઘડાળુ સ્વભાવ, કજીયાળો Nature ને તુચ્છ વૃત્તિ યાદ આવી.* ઘરે જઈશ એટલે એ પહેલુ જ પૂછશે, *'કેટલા દ્રમ કમાયા? માલ કેટલો ઓછો થયો?'* બધુ જોશે ને પછી જ્યારે હું કહીશ કે, *'મેં શ્રી શત્રુંજય તીર્થોદ્ધારમાં બધા દ્રમ આપી દીધા છે, ત્યારે મારું આવી બનશે, મારા બાર વાગી જવાના.'*
💎 પણ.. ભલે જે થવું હોય તે થાય, આવો તીર્થોદ્ધારનો લાભ ક્યાં મળવાનો? વિચારધારાની સામે ભાવધારા ચડતે રંગે વધવા લાગી. *આ બાજુ એણે ડરતાં ડરતાં ઘરમાં પગ મૂક્યો. ને પત્ની આવી, જાણે તોફાન આવ્યું. પણ.. આજે તોફાનના બદલે તોહફો (ઈનામ) આવ્યો!* ને.. પત્ની બોલી, *"આવો! આવી ગયા? લાવો, વજન મને દો.''* ભીમો કુલડીયો તો આભો જ બની ગયો. સાપણની કોથળીમાં અમૃત!
💎 *ભીમા કુલડીયાની Lifeમાં પહેલીવાર પત્નીના મોઢે લાગણીભીના શબ્દો સાંભળવા મળ્યા.* એણે હિંમત કરીને વાત કરી, *"સાત દ્રમ લખાવ્યા."* પત્ની બોલી, *"સરસ!''* ને.. ભીમો કહે, *"500 દ્રમ ને રેશમી શાલ મંત્રીએ સન્માન કરી આપ્યા. મેં ન સ્વીકાર્યા.''* પત્ની કહે, *" આ તમે સારામાં સારું કર્યું. હવે તમે થાકીને આવ્યા છો, હું રસોઈ કરું. આ ચોકનો ખીલો ઢીલો પડી ગયો છે. તમે જરા થોડુક ખોદીને મજબૂત કરી દો.''*
💎 ભીમાએ કોદાળીથી જમીન ખોદી, થોડુક ખોદ્યું, ને ધાતુ અથડાવાનો અવાજ આવ્યો. પત્નીને બોલાવી. પત્ની કહે, *"હમણા ખોદો નહિ."* રાત્રે ખોદ્યું. *4,000 સોનામહોર ભરેલો ચરુ નીકળ્યો!* ભીમો કહે, *"જોયું! પ્રભુભક્તિનો પ્રભાવ કેવો જબરજસ્ત! આ ચોકમાં તો આપણે કેટલી'ય વાર ખૂટા ને ખીલા ઠોક્યા ને ખોદ્યા. પહેલી જ વાર આ ચરુ નીકળ્યો. એ પ્રભુનો પ્રભાવ ને પ્રતાપ. આપણે આ ચરુ મંત્રીશ્વરને આપીએ, ને કહીએ તમે તીર્થોદ્ધારમાં વાપરો."*
💎 પત્ની કહે, *"કાલે જ જાઓ.''* ભીમો બીજા દિવસે મંત્રીશ્વરને મળ્યો. વાત કરી, મંત્રી આફરીન થઈ ગયા. ભીમાને ભેટી પડ્યા. ને બોલ્યા, *"ભીમા! તારી ભક્તિને સલામ! પણ.. આ ચરુ તું જ લઈ જા. તારા નસીબે મલ્યા છે.''* ભીમો કહે, *" ઘણીવાર ચોક ખોદ્યો, કશું ન મળ્યું. આ દાદાનું છે!''* મંત્રીશ્વરે કહ્યું, *"તીર્થોદ્ધારમાં જોઈતી રકમ છલકાઈ ગઈ છે.''* ને પાછો મોકલ્યો.
💎 રાત્રે કપર્દિયક્ષે સપનામાં આવીને કહ્યું, *"ભીમા! આ તારી ભક્તિના પ્રતાપે મેં આપી છે. તારે જ રાખવાની છે.''* ભીમો સવારે ઉઠ્યો ને.. શેત્રુંજા ગઢના વાસીને નજર સમક્ષ લાવી ખૂબ રડ્યો. ને બોલ્યો, *"પ્રભુ! તમે પત્નીને પલટી દીધી ને સંપત્તિ દઈ દીધી, ને મારી જિંદગી સુધારી દીધી."* ને પછી તો આદર્શ પતિ-પત્નીની જોડીએ ધર્મના માર્ગે સફર આદરી દીધી.
_*કથા તો પૂરી કરીએ. પણ.. એક સંકલ્પ કરીએ, શક્ય એટલો શુભ કાર્યમાં વિનિયોગ કરીએ ને વિશ્વાસ રાખીએ કે માટી પણ જો કઈઘણું કરીને પાછું આપે છે, તો માલિક તો.. ફરી માંગવું જ નહીં પડે એટલો ખજાનો દઈ દેશે! શરત એટલી જ કે, લોભથી નહીં, લાગણીથી કરો.*_
*खुदा के पास देने के तो, हजार हजार तरीके है,*
*मांगनेवाले तू देख, तुज़मे कितने सलीके है!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો